ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યુટ વચ્ચે સુલેહ

06 January, 2021 02:28 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યુટ વચ્ચે સુલેહ

પ્રતીકાત્મક તસવીર

સીરમ ઇન્સ્ટિટ્યુટના સીઈઓની કમેન્ટ્સને કારણે જાગેલા વિવાદ પર પૂર્ણવિરામ મુકાયું છે. ભારતનો કોરોના વૅક્સિનેશન પ્રોગ્રામ સરળતાથી પાર પાડવા માટે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યુટ વચ્ચે ગઈ કાલે સુલેહ થઈ હતી. એસ્ટ્રાઝેનેકા અને ફાઇઝર, મોડર્ના અને ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા જેવી કંપનીઓની કોરોના પ્રતિકારક રસી સિવાયની (ભારત બાયોટેક તથા અન્ય) કંપનીઓની રસીઓ પાણી જેવી હોવાની ટિપ્પણી સીરમ ઇન્સ્ટિટ્યુટના સીઈઓ અડાર પુનાવાલાએ એક ટીવી ઇન્ટરવ્યુમાં કરી હતી. એ ટિપ્પણીનો ભારત બાયોટેકના ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિશ્ના એલાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

પરંતુ ગઈ કાલે બન્ને કંપનીઓ સંયુક્ત નિવેદનમાં દેશમાં કોરોના એન્ટિડોટ રિલીઝ એટલે કે વૅક્સિનેશન-ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ સરળતાથી પાર પાડવા સંમત થઈ હતી. બન્ને કંપનીઓએ તેમના કોરોનાને દેશનિકાલ કરવા સહયોગપૂર્વક પ્રયાસ હાથ ધરવાનો ઇરાદો વ્યક્ત કરતું સંયુક્ત નિવેદન ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પરના અકાઉન્ટ્સમાં પોસ્ટ કર્યું હતું.  નિવેદનમાં અડાર પુનાવાલા અને ક્રિશ્ના એલાએ સહયોગપૂર્વક ઇમ્યુનાઇઝેશન ડ્રાઇવને સફળતા અપાવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. લોકોના જીવન બચાવવા માટે વૅક્સિન ડેવલપ કરવા ઉપરાંત મૅન્યુફૅક્ચરિંગ અને સપ્લાય અંગે બન્નેના સહયોગી સંકલ્પની જાહેરાત બન્ને કંપનીઓના ટ્વિટર અકાઉન્ટ પર અપલોડ કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં કરવામાં આવી હતી. 

coronavirus covid19 national news