કિસાનો ભડક્યા, રસ્તા પર ઊતર્યા

26 September, 2020 01:22 PM IST  |  Noida/Ghaziabad | Agency

કિસાનો ભડક્યા, રસ્તા પર ઊતર્યા

વિરોધ : અમ્રિતસરથી ૨૫ કિલોમીટર દૂર આવેલા દાસપુરા ગામમાં ખેડૂતોએ કૃ​ષિ બિલના વિરોધમાં રેલવે-ટ્રૅક પર બેસીને આ રીતે દેશવ્યાપી બંધને સમર્થન આપ્યું હતું. તસવીર :પી.ટી.આઇ.

કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે સંસદમાં પસાર કરવામાં આવેલા ખરડાના વિરોધમાં દિલ્હી અને ઉત્તર પ્રદેશની સરહદ પર સેંકડો ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે આખા દેશમાં જ કિસાનો રસ્તા પર ઊતર્યા હતા અને સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ બિલ્સનો વિરોધ કર્યો હતો. ઉત્તર પ્રદેશથી દિલ્હી તરફ આગળ વધતા ખેડૂતોને પોલીસે સરહદે રોકતાં એ બધા ત્યાં જ બેસીને વિરોધ પ્રદર્શન કરવા માંડ્યા હતા. ખેડૂતોના દેખાવોને કારણે નોએડા અને ગાઝિયાબાદમાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. ધરણાં-દેખાવોના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત રમખાણોની શક્યતા રોકવાની વ્યવસ્થા સાથે ગોઠવવામાં આવ્યો હતો.

દેખાવકાર ખેડૂતો પગપાળા, ટૂ-વ્હીલર્સ પર અને ટ્રૅક્ટર ટ્રૉલીમાં આવ્યા હતા. નોએડા અને ગાઝિયાબાદ પાસેના વિવિધ ઠેકાણે બૅરિકેડ્સ મૂકીને ખેડૂતોને રોક્યા પછી ધરણાં દરમ્યાન ભારતીય કિસાન યુનિયન તથા અન્ય ખેડૂત સંગઠનોએ તેમના મુદ્દાઓની ચર્ચા માટે પંચાયત યોજી હતી. એ પંચાયતોને સંગઠનના નેતાઓ અને ખેડૂત આગેવાનોએ સંબોધન કર્યું હતું.

લોકો હંમેશાં ખેડૂતો સમક્ષ જૂઠાણાં ઉચ્ચારતા રહ્યા છે, એ જ લોકો હવે ખેડૂતોના ખભે બંદૂક મૂકીને ચલાવી રહ્યા છે. ખેડૂતો સાથે સીધો સંપર્ક સાધવામાં આવતાં તેમને ગેરમાર્ગે દોરતો ખોટો પ્રચાર અટકશે. ખરેખર તો કૃષિ કાનૂનમાંના સુધારાઓ ખેડૂતો માટે હિતકારી છે.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદી

noida ghaziabad narendra modi national news