કોલકાતા: ભાઈના લગ્નમાં વધેલું ભોજન પીરસવા રેલવે સ્ટેશન પહોંચી બહેન, પછી શું થયું

06 December, 2021 02:43 PM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

પાર્ટી ડ્રેસમાં સજેલી મહિલાનો ગરીબોને ભોજન કરાવવાનો આ અંદાજ ખૂબ જ લોકપ્રિય થયો છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં લગ્ન સમારોહ દરમિયાન અનાજનો વેડફાટ વધારે જોવા મળે છે. સમારોહ નાનો હોય કે મોટો આયોજન ટારગેટથી વધારે ખોરાક જ બને છે અને વધવા પર તે અનાજ કચરામાં ફેંકવામાં આવે છે, પણ કોલકાતાની એક મહિલાએ અનાજ વેસ્ટ કરવાને બદલે તેને જરૂરિયાતમંદોને પીરસ્યું. પાર્ટી ડ્રેસમાં સજેલી મહિલાનો ગરીબોને ભોજન કરાવવાનો આ અંદાજ ખૂબ જ લોકપ્રિય થયો છે.

હકીકતે, 5 ડિસેમ્બરની રાતે 1 વાગ્યે કોલકાતાના રાણાઘાટ જંક્શન પર લગ્નના ડ્રેસમાં તૈયાર થયેલી મહિલા જમવાનું લઈને બેઠી અને કાગળની પ્લેટમાં એક-એક કરીને બધાને જમાડવાનું શરૂ કરી દીધું. આમાં દાળ-ભાત, શાક, રોટલી સહિત અનેક વ્યંજન સામેલ હતા. વેડિંગ ફોટોગ્રાફર નીલાંદન મંડળે મહિલા દ્વારરા વહેંચાતા ભોજનને કેમેરામાં ફોટોઝ ક્લિક કરીને જાળવી લીધા અને થોડીવાર પછી ફેસબૂક પર વેડિંગ ફોટોગ્રાફરના નામે બનેલા પેજ પર આ ફોટોઝ અને વીડિયોઝ શૅર કર્યા.

નીલાંજન મંડળે લખ્યું, પાપિયા પોતાના ભાઈના લગ્નમાં ગરીબોને વધેલો ખોરાક ખવડાવતી જોવા મળી. પાપિયાની આ દયાળુતાના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. ફેસબૂક પર સતત લાઇક્સ અને કોમેન્ટ વધી રહી છે. આ સમાચાર લખાયા સુધીમાં તો ફેસબૂક પોસ્ટને 1200થી વધુ લાઇક્સ અને સેંકડો કોમેન્ટ્સ મળી ચૂકી છે. આ સિવાય અનેક યૂઝર્સે પોતાની વૉલ પર પણ આ પોસ્ટ શૅર કરી છે.

ફેસબૂક પર આવી રહી છે જાત-જાતની કોમેન્ટ્સ
ફેસબૂક પર એક યૂઝરે લખ્યું, `મહાન કામ`, `મહાન કાર્ય` અને `તમારા પર ગર્વ છે.` બીજા યૂઝરે મહિલાની દયાળુ પ્રકૃતિના વખાણ કર્યા અને કહ્યું કે જો બધાની માનસિકતા સરખી હોય તો સમાજ એક બહેતર સ્થાન હોય. આ પ્રકારની અનેક કોમેન્ટ્સ આવી રહી છે.

national news kolkata