મસ્જિદની નીચે હતા મંદિરના પુરાવા : સુપ્રીમ કોર્ટ

10 November, 2019 02:25 PM IST  |  New Delhi

મસ્જિદની નીચે હતા મંદિરના પુરાવા : સુપ્રીમ કોર્ટ

(જી.એન.એસ.)અયોધ્યામાં આખરે રાજકીય રીતે નહીં પણ સુપ્રીમ કોર્ટના કારણે ભવ્ય રામમંદિર નિર્માણનો રસ્તો મોકળો થઈ ગયો છે. દેશની રાજનીતિમાં તથા સામાજિક અને આર્થિક ક્ષેત્રે દુરોગામી અસર પેદા કરનાર ૭૦ વર્ષ જૂના અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ કેસમાં આજે એક ઐતિહાસિક ચુકાદો આપીને દેશની સર્વોચ્ચ અદાલતે સર્વાનુમતે કરોડો હિન્દુઓની આસ્થા અને લાગણીઓ પર મહોર મારી હતી કે અયોધ્યામાં વિવાદિત જગ્યાએ જ હિંદુઓના આરાધ્યદેવ ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો અને વિવાદિત ૨.૭૭ એકર સમગ્ર જમીન મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકારને આપવામાં આવે.

આ વિવાદિત જગ્યા પર પોતાનો હક દર્શાવનાર મુસ્લિમ સમુદાયને મસ્જિદ માટે અયોધ્યામાં જ અન્યત્ર મોકાની જગ્યાએ ૫ એકર જમીન આપવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત થઈ રહેલા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની આગેવાનીની પાંચ જજોની બંધારણીય બેન્ચે આપ્યો હતો. તે સાથે જ જે વિવાદનો રાજકીય પક્ષો દ્વારા ખાસ કરીને બીજેપી દ્વારા અત્યાર સુધી રાજકીય લાભ લેવામાં આવ્યો તે મુદ્દાનો આ આદેશના પગલે અંત આવ્યો છે. હવે અયોધ્યામાં વિવાદિત સ્થળે ભવ્ય રામમંદિર બનાવવાની જવાબદારી કોર્ટે કેન્દ્ર સરકારનાં શિરે નાખી છે. કોર્ટે એવી પણ નોંધ કરી છે કે ૧૯૯૨માં મસ્જિદ તોડી પાડવી અને વિવાદિત સ્થળે મૂર્તિઓ મૂકવી તે ગેરકાયદે હતું. આમ કોર્ટે બીજેપી અને આરએસએસ દ્વારા તોડી પડાયેલી બાબરી મસ્જિદની પણ ટીકા કરી છે. કોર્ટે એમ પણ માન્યું કે હિન્દુ અયોધ્યાને રામનું જન્મસ્થળ માને છે. લગભગ તમામ પક્ષકારો અને રાજકીય પક્ષોએ ચુકાદાને આવકાર આપ્યો છે.

૧૭ નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહેલા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને અન્ય જજોએ આજે સવારે ૧૦.૩૦ વાગે ચુકાદો જાહેર કર્યો ત્યારે કોર્ટમાં તમામ મીડિયાના પ્રતિનિધિઓ મોજૂદ હતા. કોર્ટ નંબર ૧ ખીચોખીચ ભરેલી હતી અને સમગ્ર દેશના લોકોની ખાસ કરીને રામભક્તોની નજર અદાલતના ચુકાદા પર હતી. જેવું કોર્ટે જાહેર કર્યું કે વિવાદિત જગ્યા રામલલ્લા બિરાજમાનને આપવામાં આવે, તરત સમગ્ર તરફથી તેને આવકાર મળ્યો હતો. કોર્ટે પોતાના ઐતિહાસિક ચુકાદામાં ઠરાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ૩ મહિનામાં મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવીને તેના નિયમો બનાવે. મુસ્લિમ પક્ષકાર સુન્ની વકફ બોર્ડને અન્ય સ્થળે મસ્જિદ માટે ૫ એકર જમીન આપવામાં આવે. ચુકાદા બાદ કોર્ટની બહાર કેટલાક વકીલોએ જય શ્રીરામના નારા લગાવ્યાની ઘટના પણ બની હતી. જો કે બીજા વકીલોએ તેમને રોક્યા હતા. મોટાપાયે વકીલો કોર્ટ રૂમમાં હાજર રહેતા સુરક્ષાકર્મીઓને અંદર વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી હતી.


પોતાના ચુકાદામાં પાંચ જજોની ખંડપીઠે શિયા વકફ બોર્ડની અરજીને ફગાવી દીધી છે. બાબરી મસ્જિદની નોંધણી શિયા વકફ બોર્ડમાં થઈ છે જેને પગલે સુન્ની વકફ બોર્ડે આ મસ્જિદ પોતાના નામે નોંધણી માટે દાવો કર્યો હતો. જૂની વાયકા મુજબ બાબરે આ મસ્જિદનું નિર્માણ તેના સિપાહીઓની મદદથી કરાવ્યું હતું. બાબર સુન્ની હતો જ્યારે મસ્જિદની તખતી પર મીર બાકીનું નામ છે અને તે શિયા હોવાનું કહેવાયું છે. જો કે સુન્ની વકફ બોર્ડે ૧૯૬૧માં સૌપ્રથમ વખત આ સ્થળનો કબજો મેળવ્યો હોવાનો દાવો કરાયો હતો. કોર્ટે કહ્યું કે દેવતા એક કાનૂની વ્યક્તિ છે.


સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે મુસ્લિમ સમાજે બાબરી મસ્જિદ ત્યજી હોવાના કોઈ પુરાવા નથી. હિન્દુઓની હંમેશાં આસ્થા રહી છે કે ગુંબજની નીચે ભગવાન રામનું જન્મસ્થળ છે. એક વાત સ્પષ્ટ છે કે મુસ્લિમો આંગણાની અંદરના ભાગમાં નમાજ અદા કરતા હતા જ્યારે બહારના ભાગમાં હિન્દુઓ પ્રાર્થના કરતા હતા. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે આ જમીન સરકારની માલિકીની છે અને પરિણામે શિયા-સુન્ની વકફ બોર્ડની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાની અરજી પણ ફગાવી દીધી હતી.


સુપ્રીમ કોર્ટના ચુકાદાના મુખ્ય અંશો


તોડી પાડવામાં આવેલું માળખું ભગવાન રામનું જન્મસ્થાન છે. હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે. જોકે માલિકી હકને ધર્મ, આસ્થાના આધાર પર સ્થાપિત ન કરી શકાય. આ કોઈ વિવાદ પર નિર્ણય થવાના સંકેત હોઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું, રામજન્મભૂમિ સ્થાન ન્યાયિક વ્યક્તિ નથી. સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો નકાર્યો છે. નિર્મોહી અખાડાએ જન્મભૂમિના મૅનેજમેન્ટનો અધિકાર માગ્યો હતો.

વિવાદિત માળખું ઇસ્લામિક મૂળનું માળખું નથી, પરંતુ આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયાએ તેમના રિપોર્ટમાં એવું નથી કહ્યું કે મસ્જિદ બનાવવા માટે મંદિર તોડી પાડવામાં આવ્યું છે.

એવા પુરાવા મળ્યા છે કે રામ ચબૂતરો અને સીતા રસોઈ પર હિન્દુઓ અંગ્રેજોના સમયથી પૂજા કરી રહ્યા છે. રેકૉર્ડમાં નોંધાયેલા સાક્ષી જણાવે છે કે વિવાદિત જમીનની બહારનો હિસ્સો હિન્દુઓનો જ છે.

સુપ્રીમ કોર્ટમાં અલાહાબાદ હાઈ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. ૨૦૧૦માં અલાહાબાદ હાઈ કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું હતું કે અયોધ્યાની ૨.૭૭ એકરના વિસ્તારને ત્રણ સમાન હિસ્સામાં વહેંચી દો. એક હિસ્સો સુન્ની વકફ, બીજો નિર્મોહી અખાડા અને ત્રીજો રામલલા વિરાજમાનને મળે. હાઈ કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ૧૪ અરજી દાખલ કરવામાં આવી હતી. જેનો ચુકાદો ૯ વર્ષ બાદ આજે જાહેર કરવામાં આવ્યો હતો.

national news supreme court ayodhya verdict