વિધાનસભા સત્ર પહેલાં પંજાબના 23 ધારાસભ્યો કોરોના પૉઝિટિવ

26 August, 2020 07:24 PM IST  |  Chandigarh | Gujarati Mid-day Online Correspondent

વિધાનસભા સત્ર પહેલાં પંજાબના 23 ધારાસભ્યો કોરોના પૉઝિટિવ

પંજાબના 23 વિધાનસભ્યો કોરોના સંક્રમિત

દેશમાં વધતા કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણનો પ્રભાવ પંજાબમાં પણ દિવસે દિવસે વધતો જાય છે. પંજાબમાં હવે કોરોનાએ ધારાસભ્યોને પણ ચપેટમાં લઈ લીધા છે. અત્યારસુધી 23 વિધાનસભ્યોનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવતા ચિંતામાં વધારો થયો છે. બે દિવસ પછી એટલે કે, 28 ઓગસ્ટથી પંજાબમાં વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે. ત્યારે આટલા બધા વિધાનસભ્યો કોરોના પૉઝિટિવ આવતા ચિંતા વધી ગઈ છે. શુક્રવારે પંજાબમાં 117 વિધાનસભ્યોના એક દિવસના સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ બનાવ પછી હવે વિધાનસભાના સત્રમાં પ્રવેશ મેળવવા માટે વિધાનસભ્યોએ કોરોના રિપોર્ટ નેગેટીવ છે તે દેખાડવું પડશે.

25 ઓગસ્ટે પંજાબના એક પ્રધાન અને બે વિધાનસભ્યો કોરોના સંક્રમિત થયા હોવાનું પુષ્ટિ થઈ હતી. રાજ્યના ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન સુંદર શામ અરોરાએ મંગળવારે જણાવ્યું હતું કે, તેઓ પણ કોરોના સંક્રમિત છે. હવે 23 વિધાનસભ્યો કોરોના સંક્રમિત થતા કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે JEE અને NEET પરીક્ષાઓ યોજવા માટે મંજૂરી આપવાના કેન્દ્ર સરકારના પગલાનો ઉલ્લેખ કરતા પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે કહ્યું હતું કે, જો રાજ્યના ધારાસભ્યો અને મંત્રીઓની આ સ્થિતિ છે, તો પછી તમે કલ્પના કરી શકો છો કે સમાન્ય માણસોની પરિસ્થિતિ કેટલી ગંભીર છે. એટલે જ આ સમય પરીક્ષાઓ માટે યોગ્ય નથી.

પંજાબની વાત કરીએ તો અત્યાર સુધી રાજ્યમાં 44,577 કેસ નોંધાયા છે અને 29,145 લોકો સારવાર બાદ સાજા થયા છે. અત્યારે રાજ્યમાં 14,254 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ 1,198 લોકોના મોત થયા છે.

coronavirus covid19 punjab chandigarh