ટાઇમિંગના કારણે બીબીસીની ડૉક્યુમેન્ટરી કાવતરું જણાય છે

22 January, 2023 09:34 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૩૦૨ ભૂતપૂર્વ જજો, ભૂતપૂર્વ બ્યુરોક્રેટ્સ અને આર્મ્ડ ફોર્સિસના ભૂતપૂર્વ અધિકારીઓના એક ગ્રુપે નરેન્દ્ર મોદી પરની આ ડૉક્યુમેન્ટરીને સતત પૂર્વાગ્રહનું રિફ્લેક્શન ગણાવ્યું

ફાઇલ તસવીર

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : ૩૦૨ ભૂતપૂર્વ જજો, ભૂતપૂર્વ બ્યુરોક્રેટ્સ અને આર્મ્ડ ફોર્સિસના ભૂતપૂર્વ અધિકારીઓના એક ગ્રુપે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરની બીબીસીની ડૉક્યુમેન્ટરીની આકરી ટીકા કરી હતી. આ ગ્રુપે આ ડૉક્યુમેન્ટરીને ‘અમારા નેતા, સાથી ભારતીય અને એક દેશભક્તની વિરુદ્ધની બદઇરાદાથી પ્રેરિત ચાર્જશીટ તેમ જ સદંતર નેગેટિવિટી અને સતત પૂર્વાગ્રહ’નું રિફ્લેક્શન ગણાવ્યું હતું.

બીજી તરફ યુકેની સંસદના હાઉસ ઑૅફ લૉર્ડઝના મેમ્બર લૉર્ડ રામી રૅન્જરે બીબીસીની આ ડૉક્યુમેન્ટરની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે ‘આ ડૉક્યુમેન્ટરીનો ટાઇમિંગ જોતાં બદઇરાદો જણાય છે, કેમ કે ભારત અને યુકે ફ્રી ટ્રેડ ઍગ્રિમેન્ટ માટે કામ કરી રહ્યા છે, ભારતે જી20ની અધ્યક્ષતા સંભાળી છે અને યુકેના પ્રાઇમ મિનિસ્ટર રિશી સૂનક ભારતીય મૂળના છે.

૧૩ ભૂતપૂર્વ જજ, ૧૩૩ ભૂતપૂર્વ બ્યુરોક્રેટ્સ અને ડિપ્લોમેટ્સ તેમ જ આર્મ્ડ ફોર્સિસના ૧૫૬ ભૂતપૂર્વ અધિકારીઓ દ્વારા સાઇન કરવામાં આવેલા એક સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ ડૉક્યુમેન્ટરીમાં તટસ્થ રજૂઆત નથી.

માત્ર બીબીસીની આ સિરીઝની જ વાત નથી, અત્યાર સુધી અમે જે કન્ટેન્ટ જોયું છે એ અમને ભ્રામક અને એકતરફી જણાયું. એમ જણાય છે કે આ ડૉક્યુમેન્ટરી સ્વતંત્ર અને લોકતાં​ત્રિક દેશ તરીકેના ભારતના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવે છે. ભારત એવો દેશ છે કે જે ભારતના લોકોની ઇચ્છા અનુસાર કામ કરે છે.

રાજસ્થાન હાઈ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અનિલ દેવ સિંહ, ભૂતપૂર્વ ગૃહસચિવ એલ. સી. ગોયલ, ભૂતપૂર્વ વિદેશ સચિવ શશાંક, રૉના ભૂતપૂર્વ વડા સંજીવ ​ત્રિપાઠી અને એનઆઇએના ભૂતપૂર્વ ડિરેક્ટર યોગેશ ચંદર મોદીએ આ લેટર પર સહી કરી છે.

આ પહેલાં વિદેશ મંત્રાલયે બીબીસીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશેની આ ડૉક્યુમેન્ટરીની આકરી ટીકા કરી હતી. આ ડૉક્યુમેન્ટરી તૈયાર કરવાનો હેતુ અપપ્રચાર કરવાનો અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો હોવાનું મંત્રાલયે જણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ‘પક્ષપાત, નિષ્પક્ષતાનો સાવ અભાવ અને હજી પણ બીજા દેશો પર નિયંત્રણ કરવાની માનસિકતા સ્પષ્ટ જોવા મળે છે. આ ડૉક્યુમેન્ટરીને ભારતમાં રજૂ કરવામાં આવી નથી.’

બીબીસીએ ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ નામની એક ડૉક્યુ-સિરીઝ રિલીઝ કરી છે, જેમાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ સમયગાળો રજૂ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સિરીઝમાં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. એ સિવાય મોદી સરકારનું દેશના મુસલમાનો પ્રત્યેનું વલણ અને કાશ્મીરમાં વિશેષ દરજ્જો નાબૂદ કરવાના નિર્ણયને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

સરકારે ડૉક્યુમેન્ટરીની લિન્ક શૅર કરતી પોસ્ટ્સ બ્લૉક કરી

કેન્દ્ર સરકારે બીબીસીની ડૉક્યુમેન્ટરી ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ની લિન્ક્સ શૅર કરતી ટ્વિટર પોસ્ટ્સ અને યુટ્યુબ વિડિયોઝને બ્લૉક કરવાનો આદેશ આપ્યો છે. આઇટી રૂલ્સ, ૨૦૨૧ હેઠળ ઇમર્જન્સી પાવર્સનો ઉપયોગ કરીને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચન્દ્ર દ્વારા શુક્રવારે આ આદેશો આપવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે વિદેશ, ગૃહ, માહિતી અને પ્રસારણ સહિત અનેક મંત્રાલયના સિનિયર અધિકારીઓએ આ ડૉક્યુમેન્ટરીને ચકાસી હતી. આ સિનિયર અધિકારીઓને જણાયું હતું કે આ ડૉક્યુમેન્ટરી સુપ્રીમ કોર્ટની વિશ્વસનીયતા અને ઑથોરિટીની તદ્દન અયોગ્ય ટીકા કરવાનો તેમ જ ભારતના જુદા-જુદા સમુદાયોની વચ્ચે ભાગલાનાં બીજ રોપવાનો એક પ્રયાસ છે.
આ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ડૉક્યુમેન્ટરી ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાને હાનિ પહોંચાડે છે અને વિદેશો સાથેના મિત્રતાપૂર્ણ સંબંધો પર એની વિપરીત અસરો પડી શકે છે. આ ડૉક્યુમેન્ટરીના યુટ્યુબ વિડિયોઝની લિન્ક્સ ધરાવતાં ૫૦થી વધારે ટ્વીટ્સને બ્લૉક કરવાનો પણ ટ્વિટરને આદેશ આપવામાં આવ્યો છે. 

national news india narendra modi