જોજો, તમારો ચોરાયેલો મોબાઇલ ફોન નક્સલવાદીઓ વાપરતા હોઈ શકે છે

01 November, 2011 03:18 PM IST  | 

જોજો, તમારો ચોરાયેલો મોબાઇલ ફોન નક્સલવાદીઓ વાપરતા હોઈ શકે છે

 

ઝારખંડના સાહેબગંજનાં ૧૨ ગામોના કેટલાક લોકો દિવસે શહેરમાં કચરો વણવાનું કામ કરતા હોય છે, પરંતુ રાત્રે લૂંટની ઘટનાને અંજામ આપે છે. વળી દરેક ગામ કોઈ ને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલું હોવાથી તેમની ધરપકડ કરવી પણ મુશ્કેલ કાર્ય થઈ જાય છે. વી. પી. રોડ પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર મિલિંદ કાટેએ કહ્યું હતું કે તાજેતરમાં જ સાહેબગંજના રાજમહેલ ગામમાં પોલીસ ગિરગામના પેપીલોન ડિજિટેકમાં થયેલી લૂંટમાં સંડોવાયેલા આરોપી મુસ્તફા શેખની ધરપકડ કરવા પહોંચી ત્યારે સરપંચે આ માહિતી લીક કરી દેતાં આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. એમઆરએ માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પદમાકર જુએકરે કહ્યું હતું કે ‘ઝારખંડમાં સ્ટોનકટર તરીકે કામ કરી ચૂકેલા આ ગુનેગારો માટે દુકાનમાં ખાતર પાડીને પ્રવેશવું બહુ જ આસાન છે. ઘણી વાર તો તેઓ ગટરની લાઇનથી તથા િગ્રલને કાપી પણ દુકાનમાં પ્રવેશે છે.’

આરોપીઓ દિવસભર એલ. ટી. માર્ગ, વી. પી. રોડ, પાયધુની, એમઆરએ માર્ગ વિસ્તારમાં કચરો વીણવાનું કામ કરતાં-કરતાં કઈ દુકાનમાં ચોરી કરવી, કઈ ગટરમાંથી પ્રવેશ કરવો તેમ જ દુકાનમાં ધાડ પાડ્યા બાદ કીમતી સામાન લઈને કયા રસ્તે ભાગી છૂટવું એનો પ્લાન બનાવતા અને સ્ટોનકટર તરીકેના અનુભવને કામે લગાડી રાતના સમયે ગટરમાર્ગે પ્રવેશ કરી ચોરી કરીને આસાનીથી નાસી જતા.

ધરપકડ તથા જપ્તીમાં આવતી અડચણ

ઝારખંડની આ ટોળકી વિશે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે ‘આરોપીઓની ધરપકડ કરવામાં અનેક મુશ્કેલીઓ આવે છે. આખા ગામને લૂંટમાંથી હિસ્સો મળતો હોવાથી પોલીસને કોઈ સહકાર આપતું નથી. ઘણી વાર તો સાહેબગંજથી ગંગા નદી ઓળંગી  મધુબન તથા પશ્ચિમબંગાળના નક્સલવાદી પ્રભાવિત ક્ષેત્રોમાં તેઓ ચાલ્યા જાય છે. વળી સાહેબગંજ પોલીસના રેકૉર્ડમાં આ લોકો નર્દિોષ હોવાથી તેમનો સહકાર પણ મુંબઈપોલીસને મળતો નથી. લૂંટનો સામાન પશ્ચિમબંગાળના માલદામાં વેચવામાં આવે છે. માલદા ચોરીના સામાનની લે-વેચનું મોટું મથક છે. ત્યાંથી જ નક્સલવાદીઓ પણ ખરીદી કરતા હોવાથી એ સામાન પાછો મેળવવો મુશ્કેલ થઈ જાય છે.’