સુનકે પીએમ મોદીને સપોર્ટ આપ્યો, પાકિસ્તાન મૂળના સંસદસભ્યને આપ્યો જોરદાર જવાબ

20 January, 2023 11:19 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લેટેસ્ટ વિવાદ બીબીસીની ડૉક્યુમેન્ટરીના સંબંધમાં છે કે જેનો ભારતીય વિદેશ મંત્રાલયે પણ જોરદાર વિરોધ કર્યો છે

યુકેના વડા પ્રધાન રિશી સુનક અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે બીબીસીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશેની એક ડૉક્યુમેન્ટરીની ગઈ કાલે આકરી ટીકા કરી હતી. આ ડૉક્યુમેન્ટરી તૈયાર કરવાનો હેતુ અપપ્રચાર કરવાનો અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો હોવાનું મંત્રાલયે જણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ‘પક્ષપાત, નિષ્પક્ષતાનો સાવ અભાવ અને હજી પણ બીજા ​દેશો પર નિયંત્રણ કરવાની માનસિકતા સ્પષ્ટ જોવા મળે છે. આ ડૉક્યુમેન્ટરીને ભારતમાં રજૂ કરવામાં આવી નથી.’

બાગચીએ વધુમાં કહ્યું હતું કે ‘અમને આ ડૉક્યુમેન્ટરી બનાવવા પાછળના હેતુ અને એની પાછળ કયો એજન્ડા છે એને લઈને સવાલ થાય છે.’

બીબીસીએ ‘ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ નામની એક ડૉક્યુ-સિરીઝ રિલીઝ કરી છે, જેનો પહેલો એપિસોડ મંગળવારે રજૂ કરવામાં આવ્યો હતો અને એને બુધવારે યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવી હતી. આ સિરીઝનો બીજો ભાગ ૨૪ જાન્યુઆરીએ રજૂ કરવાનો છે. આ સિરીઝમાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ સમયગાળો રજૂ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો :  મોદીએ બાઇડન અને સુનક સહિતના વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સિરીઝમાં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. એ સિવાય મોદી સરકારનું દેશના મુસ્લિમો પ્રત્યેનું વલણ અને કાશ્મીરમાં વિશેષ દરજ્જો નાબૂદ કરવાના નિર્ણયને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

આ બીબીસી ડૉક્યુમેન્ટરીનો વિવાદ બ્રિટનની સંસદમાં પણ પહોંચ્યો હતો. પાકિસ્તાન મૂળના સંસદસભ્ય ઇમરાન હુસેને આ મામલો ઉઠાવ્યો હતો તો યુકેના વડા પ્રધાન રિશી સુનકે આ ડૉક્યુમેન્ટરી સિરીઝના વિવાદથી પોતાની જાતને દૂર કર્યા હતા. સુનકે સ્પષ્ટ જણાવ્યું હતું કે ‘આ મુદ્દે યુકે સરકારની સ્થિતિ સ્પષ્ટ છે અને લાંબા સમયથી ચાલી રહી છે. સરકારની સ્થિતિ આ બાબતે બદલાઈ નથી. ચોક્કસ જ અમે અત્યાચારોને ના સહન કરી શકીએ, પછી એ ગમે ત્યાં થયા હોય. જોકે આ સન્માનનીય જેન્ટલમૅન (પીએમ મોદી)નું આ ડૉક્યુમેન્ટરીમાં જે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે, હું એનાથી જરાય સંમત નથી.’

national news rishi sunak uk prime minister narendra modi new delhi pakistan bbc gujarat riots