બરેલીના બીજેપી MLAની પુત્રીનો ઘટસ્ફોટઃ મા મને ઓનર કિલિંગની ધમકી આપતી

14 July, 2019 11:08 AM IST  |  મુંબઈ

બરેલીના બીજેપી MLAની પુત્રીનો ઘટસ્ફોટઃ મા મને ઓનર કિલિંગની ધમકી આપતી

બરેલીના બીજેપી ધારાસભ્યની પુત્રીનો ઘટસ્ફોટ

બરેલીના બીજેપી ધારાસભ્ય રાજેશ મિશ્રાની પુત્રી સાક્ષીએ દલિત યુવાન અજિતેશ સાથે લગ્ન કર્યાંની વિડિયો ક્લીપ ફાઇલ થયા બાદ આ નવદંપતી એક ન્યુઝ ચૅનલની ઑફિસે પહોંચ્યું હતું જ્યાં સાક્ષીએ રડતાં-રડતાં આપવીતી વર્ણવી હતી.તેણે કહ્યું કે ‘મારો ભાઈ મને જાનવરની જેમ ઢોરમાર મારતો હતો અને મારી સગી માતાએ મને ઓનર કિલિંગથી પતાવી દેવાની ધમકી આપી હતી.’

સાક્ષીએ કહ્યું કે ‘અમારા ઘરમાં મારા ભાઈને જે કરવું હોય એ કરવાની છૂટ હતી, જ્યારે મારા પર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યાં હતાં. મને કેદીની જેમ રાખવામાં આવતી હતી. અજિતેશ સાથેના મારા અફેરની માહિતી મળી ગયા બાદ મારો ભાઈ મને બેફામ મારપીટ કરતો હતો. હું મારા ભાઈને પગે પડીને વિનવતી હતી કે પ્લીઝ મને આટલો બધો માર ન મારો, પરંતુ ઘરમાં કોઈ મારી વાત કાને ધરવા તૈયાર નહોતું.’

આખરે અમારે ભાગીને લગ્ન કરવા પડ્યાં. હજી પણ અમારો જાન જોખમમાં છે એટલે જ અમે લગ્નના સમાચાર અને વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર મૂક્યાં. હવે અમને કંઈ થાય તો મારાં માતા-પિતા અને મારા ભાઈને જવાબદાર ગણજો.’
બીજેપી ધારાસભ્ય રાજેશ મિશ્રાએ આ તમામ આરોપો ખોટા હોવાનો દાવો કર્યો હતો. પુત્રીના આરોપ પર ધારાસભ્યનું કહેવું છે કે ‘મીડિયામાં ચાલી રહેલું બધું ખોટું છે. મારી દીકરી પુખ્ત વયની છે. તેને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે. મારા કે મારા પરિવારે કોઈને ધમકી આપી નથી. હું મારા કામમાં વ્યસ્ત છું, વિધાનસભામાં હું લોકોનાં કામ કરી રહ્યો છું. બીજેપીનું સભ્યતા અભિયાન ચલાવી રહ્યો છું, મારથી કોઈને ખતરો નથી.’

આ દલિત યુવક અજિતેશ કુમારની સગાઈ ભોપાલની એક છોકરી સાથે પહેલાં થઈ ચૂકી હતી. નવમી ડિસેમ્બરના રોજ લગ્નની તારીખ નક્કી હતી. લગ્નની તમામ તૈયારીઓ પણ થઈ ચૂકી હતી.મળતી માહિતી પ્રમાણે ભોપાલની એક હોટેલમાં ધામધૂમથી સગાઈ સમારંભ યોજાયો હતો. સગાઈના થોડા દિવસો પછી છોકરાવાળા તરફથી લગ્ન માટે ના કહી દેવામાં આવી હતી. જોકે, સગાઈ અજિતેશની મરજીથી જ થઈ હતી. નોંધનીય છે કે સાક્ષીના એમએલએ પિતા રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતૌલે એક ખાનગી ચૅનલ સાથે વાતચીત દરમ્યાન દાવો કર્યો હતો કે અજિતેશની પહેલાં સગાઈ થઈ ચૂકી છે.

bharatiya janata party bareilly