બરાક ઓબામાની મુલાકાત વખતે દિલ્હી પર મોટા હુમલાની આશંકા

13 December, 2014 06:07 AM IST  | 

બરાક ઓબામાની મુલાકાત વખતે દિલ્હી પર મોટા હુમલાની આશંકા


પાકિસ્તાનમાં મૂળિયાં ધરાવતું આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અમેરિકન પ્રમુખ બરાક ઓબામાની મુલાકાત પહેલાં નવી દિલ્હીમાં મોટો હુમલો કરી શકે છે. આ ચેતવણી અમેરિકન ગુપ્તચર તંત્રએ ભારત સરકારને આપી એ પછી રાષ્ટ્રીય રાજધાનીમાં સલામતીની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર એક મહિના પહેલાં અમેરિકાનાં ગુપ્તચર સૂત્રોએ આ અલર્ટ આપી હતી, પણ એમાં કોઈ ચોક્કસ માહિતી નથી. વળી આ હુમલો ક્યાં અને ક્યારે થશે એ પણ જણાવવામાં નથી આવ્યું. 

જોકે ભારત સરકાર અમેરિકાની આ અલર્ટ પછી કોઈ પણ પ્રકારની કચાશ રાખવાના મૂડમાં નથી. બરાક ઓબામા ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ બનવાના છે એ સમાચારને અમેરિકાએ સમર્થન આપ્યું ત્યાર બાદ અમેરિકન ગુપ્તચર સૂત્રોએ ઉપરોક્ત ચેતવણી આપી હતી. દિલ્હીમાં સજ્જડ સલામતીનાં પગલાં લેવા ઉપરાંત કેન્દ્રીય ગુપ્તચર બ્યુરોએ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવાં પાડોશી રાજ્યો સાથે સતત સંકલન જાળવી રાખવાની દિશામાં પણ કામ શરૂ કરી દીધું છે. 

૨૬ જાન્યુઆરીની પરેડના મુખ્ય સ્થળ રાજપથ પર દિલ્હી પોલીસ અને નાગાલૅન્ડ આમ્ર્સ પર્સનેલને ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ગોઠવી દેવામાં આવી છે. રાજપથ પરના વિશિષ્ટ મહાનુભાવો માટેના એન્ક્લોઝર અને મેઇન ગેટને પણ એ વખતે જ સીલ કરી દેવામાં આવ્યા હતા. આ એન્ક્લોઝરમાં બેસીને બરાક ઓબામા ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડા  પ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ જાન્યુઆરીની પરેડ નિહાળશે. આ વિસ્તારમાં અત્યારે સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ છે.