મિનિમમ બૅલૅન્સ ન રાખવાની પેનલ્ટી દ્વારા બૅન્કોને ૨૦૨૫માં મળ્યા ૪૮૧૮ કરોડ રૂપિયા

15 February, 2026 07:12 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ICICI બૅન્કે નવા સેવિંગ્સ અકાઉન્ટ માટે મિનિમમ ઍવરેજ બૅલૅન્સની જરૂર ૨૦૨૫માં વધારી દીધી હતી;

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં લોકસભામાં રજૂ થયેલા એક રિપોર્ટ અનુસાર ભારતીય બૅન્કોએ નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫ દરમ્યાન સેવિંગ્સ અને કરન્ટ અકાઉન્ટમાં જરૂરી મિનિમમ ઍવરેજ બૅલૅન્સ જાળવી રાખવામાં નિષ્ફળ રહેલા કસ્ટમર્સ પાસેથી પેનલ્ટી અને ચાર્જ તરીકે ઑલમોસ્ટ ૪૮૧૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કમાણીમાં પ્રાઇવેટ બૅન્કોનો હિસ્સો ૨૭૭૨.૨ કરોડ રૂપિયા અને પબ્લિક સેક્ટરની બૅન્કોનો હિસ્સો ૨૦૪૫.૭ કરોડ રૂપિયા છે. છેલ્લાં પાંચ વર્ષમાં ભારતની તમામ બૅન્કોએ આ મિનિમમ બૅલૅન્સ પેનલ્ટી લગાવીને ૨૮,૪૯૫ કરોડ રૂપિયા જમા કર્યા છે. 

BJPના સંસદસભ્ય પ્રકાશ જોશીની અધ્યક્ષતાવાળી કમિટી ઑન પિટિશન્સના ચોથા રિપોર્ટમાં અપાયેલા આંકડાઓથી ખબર પડે છે કે મિનિમમ બૅલૅન્સનો નિયમ બૅન્કો માટે આવકનો એક રેગ્યુલર સોર્સ બની ગયો છે, જ્યારે સરકાર ફાઇનૅન્શિયલ ઇન્ક્લુઝનને પ્રોત્સાહન આપવા માગે છે. રિપોર્ટમાં કમિટી દ્વારા કહેવાયું છે કે મિનિમમ બૅલૅન્સ ન રાખવા પર લાગનારી પેનલ્ટી સામાન્ય રીતે ખૂબ વધારે હોય છે, જેનાથી અકાઉન્ટહોલ્ડર્સ અને ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના લોકો પર અકારણ ફાઇનૅન્શિયલ દબાણ આવે છે. જે કસ્ટમર્સ જરૂરી બૅલૅન્સ જાળવી રાખે છે તેમને સામાન્ય રીતે સેવિંગ્સ અકાઉન્ટ પર વર્ષે અઢીથી ૪ ટકા વ્યાજ મળે છે, બહુ થોડી બૅન્કો જ છથી ૭ ટકા વ્યાજ આપે છે; પરંતુ જો બૅલૅન્સ ઘટી જાય તો કસ્ટમર બૅલૅન્સ બનાવવાથી જે વ્યાજ કમાય એના કરતાં પેનલ્ટી પંદરથી વીસગણી વધારે હોઈ શકે છે. 

નિયમના કમ્પ્લાયન્સ માટેનું ઇન્સેન્ટિવ સીમિત છે, પરંતુ નૉન-કમ્પ્લાયન્સની કૉસ્ટ ખૂબ જ વધારે છે. આ ભારણ ખાસ કરીને ઓછી આવકવાળા અને અનિયમિત કૅશ-ફ્લો ધરાવતા કસ્ટમર્સ માટે ખૂબ વધુ છે. 

હાલમાં કેટલીક બૅન્કોએ મિનિમમ બૅલૅન્સના નિયમોમાં બદલાવ કર્યા છે. ICICI બૅન્કે નવા સેવિંગ્સ અકાઉન્ટ માટે મિનિમમ ઍવરેજ બૅલૅન્સની જરૂર ૨૦૨૫માં વધારી દીધી હતી; જ્યારે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, પંજાબ નૅશનલ બૅન્ક, કૅનેરા બૅન્ક અને ઇન્ડિયન બૅન્ક જેવી પબ્લિક સેક્ટરની બૅન્કોએ કાં તો મિનિમમ બૅલૅન્સ પેનલ્ટી માફ કરી દીધી છે કે પછી બેસિક બૅન્કિંગ સુધી પહોંચ વધારવા માટે કોઈ મિનિમમ બૅલૅન્સ પૉલિસી નથી અપનાવી.

national news indiaq Lok Sabha yes bank union bank of india state bank of india reserve bank of india icici bank indian government