બૅન્ગલોરની પોલીસે લવબર્ડ્સ પર ત્રાટકવા ઢોબળે સ્ટાઇલ અપનાવી

04 December, 2012 06:33 AM IST  | 

બૅન્ગલોરની પોલીસે લવબર્ડ્સ પર ત્રાટકવા ઢોબળે સ્ટાઇલ અપનાવી




મુંબઈમાં એસીપી વસંત ઢોબળે જે રીતે પબ અને રેસ્ટોરાં પર દરોડા પાડે છે એવી જ રીતે બૅન્ગલોરની પોલીસ પણ શહેરના જાણીતા પાર્કમાં એકાંત માણી રહેલાં પ્રેમીપંખીડાંઓ પર ત્રાટકે છે. ફરક માત્ર એટલો છે કે બૅન્ગલોરની પોલીસ ડંડો લઈને નહીં પણ હાથમાં હૅન્ડિકૅમ લઈને રોમૅન્સ કરી રહેલાં યુવક-યુવતીઓને ભાગી જવાની ફરજ પાડે છે. પોલીસે ગાઢ હરિયાળી માટે જાણીતા શહેરના ક્યુબોન પાર્કમાં એકાંત માણતાં યુવક-યુવતીઓનું વિડિયો શૂટિંગ કરવાનું શરૂ કર્યું છે.  પાર્કમાં જ્યારે પણ કોઈ છોકરો-છોકરી મળી રહ્યાં હોય છે ત્યારે થોડી જ વારમાં અચાનક પોલીસ-કૉન્સ્ટેબલ આવીને તેમનું વિડિયો શૂટિંગ શરૂ કરી દે છે અને એ પછી સ્વાભાવિકપણે જ બન્ને સ્થળ છોડીને છૂમંતર થઈ જાય છે. છેલ્લાં બે અઠવાડિયાંથી પાર્કમાં આ દૃશ્યો સામાન્ય થઈ ગયાં છે. જોકે લોકોમાં પોલીસની આ કાર્યવાહીને લઈને નારાજગી ફેલાઈ છે.

અખિલ ભારતીય જનવાદી મહિલા સંગઠનનાં ઉપ-પ્રમુખ કે. એસ. વિમલાએ પોલીસની આ કામગીરીને નાગરિકોના મૂળભૂત અધિકારનો ભંગ ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે ‘ભારત આઝાદ દેશ છે. અને જાહેર સ્થળે દરેકને મુક્તપણે ફરવાનો અધિકાર છે.’

આ તરફ પોલીસનું કહેવું છે કે પાર્કમાં ગેરવર્તનની અનેક ફરિયાદો બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. પોલીસે એવો પણ દાવો કર્યો છે કે વિડિયો શૂટિંગ શરૂ કરવામાં આવતાં પાર્કમાં ‘અનૈતિક વર્તન’ની ઘટનાઓમાં ઘટાડો થયો છે. ચંદ્રિકા પાટીલ નામના શહેરનાં વકીલે પણ પોલીસની પહેલનો વિરોધ કરતાં કહ્યું હતું કે ‘કોઈની પરવાનગી લીધા વિના તેમની તસવીરો ઝડપવી ગેરકાયદે છે. કપલ જાહેરમાં એકબીજાનો હાથ પકડી શકે નહીં એવો કોઈ કાયદો નથી.’

એસીપી = આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ