પ્લાસ્ટિકનો વિકલ્પ શોધો :વિજ્ઞાનીઓને નરેન્દ્ર મોદીની હાકલ

04 January, 2020 12:35 PM IST  |  Bangalore

પ્લાસ્ટિકનો વિકલ્પ શોધો :વિજ્ઞાનીઓને નરેન્દ્ર મોદીની હાકલ

વિજ્ઞાન અને વડા પ્રધાન : ૧૦૭મી ઇન્ડિયન સાયન્સ કૉન્ગ્રેસના ઉદ્ઘાટન સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવચન કર્યું હતું. (તસવીરઃ પી.ટી.આઈ.)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બૅન્ગલોર ખાતે ૧૦૭મી ‘ભારતીય વિજ્ઞાન કૉન્ગ્રેસ’નો પ્રારંભ કરાવતા જણાવ્યું કે પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે વિશ્વના વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવો પડશે. ખેતીના વિકાસ સાથે સાથે પર્યાવરણ અનુકૂળ ઊર્જાના ઉત્પાદન પર પણ ભાર આપવાની જરૂર છે. પાંચ દિવસના આ આયોજનમાં બે નોબેલ પુરસ્કૃત વિજેતાઓ ઉપરાંત વિશ્વભરના ૧૫ હજાર તજજ્ઞો ઉપસ્થિત રહેશે. સાયન્સ કૉન્ગ્રેસમાં દર વર્ષે કોઈ સમસ્યા પર ચર્ચા અને સમાધાન શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વખતની થીમ કૃષિવિકાસ રાખવામાં આવી છે.

મોદીએ જણાવ્યું કે ‘વીતેલા પાંચ વર્ષમાં ગ્રામીણ વિકાસનો લોકોએ અહેસાસ કર્યો છે. સ્વચ્છ ભારતથી આયુષ્માન સુધી ભારતની સૌથી મોટી યોજનાઓની દુનિયામાં સરાહના થઈ રહી છે. જેનું કારણ સાયન્સ અૅન્ડ ટેક્નૉલૉજી છે. દેશના છ કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજનાની રકમ ટ્રાન્સફર કરીને એક નવો રેકૉર્ડ સર્જાયો છે. ગામડાંઓ સુધી વીજળી અને અન્ય વિકાસકાર્યો પહોંચ્યાં છે. આ બધું ટેક્નૉલૉજીની મદદથી સંભવ બન્યું છે. આજે ગામડામાં રસ્તાનું નિર્માણ સમયસર પૂર્ણ થાય છે. ગરીબો માટે બે કરોડથી વધુ આવાસ સમયસીમામાં તૈયાર થયાં છે. મને એ જાણીને આનંદ થાય છે કે ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનું રૅન્કિંગ બાવન પર પહોંચી ગયું છે.

વડા પ્રધાને ભાષણમાં જણાવ્યું કે ‘ટેક્નૉલૉજીને લીધે આજે ખેડૂતો સીધા બજારમાં લેવડદેવડ કરી શકે છે. આજે ખેડૂતોને ખેતી, હવામાન સંલગ્ન તમામ માહિતી મળી રહે છે. ગ્રામીણ ક્ષેત્રમાં ટેક્નૉલૉજી અને વધુ મજબૂત બનાવવા પ્રયાસ ચાલુ છે. જલ જીવન મિશન અંતર્ગત તમામ ઘરમાં નળથી જળ પહોંચાડવાનું કામ ચાલુ છે. સસ્તી ટેક્નૉલૉજીની મદદથી પાણીને રિ-સાઈકલ કરવાનું દાયિત્વ તમારું છે.’

આ પણ વાંચો : ભારત મોટી મુશ્કેલીમાં: દિલ્હી 3 માંથી 2 બેરલ ક્રૂડ ઑઇલ ઈરાનથી ઇમ્પૉર્ટ કરે છે

મોદીએ પ્રદૂષણના મુદ્દે કહ્યું કે ખેતરોમાં પાક લીધા બાદ સળગાવાતો કચરો અને ઘરોમાંથી નીકળતો કચરો પણ પ્રદૂષણ વધારા માટે જવાબદાર છે. આને વેલ્થમાં તબદીલ કરવા માટે આપણે મહેનત કરવી પડશે. ૨૦૨૦ સુધીમાં ક્રૂડતેલની આયાત ઘટાડવાનું લક્ષ્ય છે, તેના તમામ વિકલ્પો આપણે વિચારવા પડશે. દેશના લોકોનું નાનું-નાનું યોગદાન જ ભારતને પાંચ ટ્રિલ્યન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવી શકશે. મોદીએ પ્લાસ્ટિકના વિકલ્પ વિશે પણ વિચારવા પર ભાર આપ્યો હતો.

૨૦૨૫માં ભારત બાયોફ્યુઅલનું હબ બનશે, ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનું રૅન્કિંગ સુધરીને બાવન પર પહોંચ્યું

- વડા પ્રધાન નરેન્દ્ર મોદી

national news bengaluru narendra modi