તોફાનો બાદ બૅન્ગલોર પોલીસે ૧૧૦ લોકોની કરી ધરપકડ

13 August, 2020 08:41 AM IST  |  Mumbai Desk | Agencies

તોફાનો બાદ બૅન્ગલોર પોલીસે ૧૧૦ લોકોની કરી ધરપકડ

મંગળવારે તોફાનીઓએ બાળી નાખેલાં વાહનોની ચકાસણી કરતી બૅન્ગલોર પોલીસ. તસવીર : પી.ટી.આઇ.

બૅન્ગલોર પોલીસે મંગળવારે રાત્રે પથ્થરમારો અને હિંસાના બનાવોમાં ગઈ કાલે ૧૧૦ લોકોની ધરપકડ કરી હતી. જેમાં કૉન્ગ્રેસના ધારાસભ્યના સંબંધીનો પણ સમાવેશ થાય છે, જેણે સોશ્યલ મીડિયા પર કથિત રીતે મૂકવામાં આવેલી ‘સંવેદનશીલ’ પોસ્ટ બાદ બેકાબૂ ટોળાએ વાહનોને નિશાન બનાવ્યા હતા, તેના કલાકો બાદ પુલકેશીનગર વિધાનસભા વિસ્તાર હેઠળના ભાગો યુદ્ધભૂમિ જેવા ભાસતા હતા.
સળગી ગયેલાં વાહનો, વાહનોની તૂટેલી બારીઓના કાચના ટુકડા, પથ્થરો અને ઇંટો હિંસાગ્રસ્ત વિસ્તારોના નિર્જન માર્ગો પર જ્યાં-ત્યાં પડેલા હતા.
આ ઘટનામાં પોલીસ ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને મંગળવારે રાતે શહેરમાં ફાટી નીકળેલી આ હિંસા તથા આગમાં ૫૦ પોલીસ કર્મચારીઓ સહિત ઘણા લોકોને ઇજા પહોંચી હતી.
કૉન્ગ્રેસી ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના સંબંધીએ સોશ્યલ મીડિયા પર ‘સંવેદનશીલ’ પોસ્ટ કરતાં સમાજના ચોક્કસ વર્ગ દ્વારા રોષે ભરાઈને અખંડ શ્રીનિવાસ મૂર્તિ અને તેમના પરિવારના સભ્યોની મિલકતોને નિશાન બનાવાઈ હતી.
ધારાસભ્યની બહેન જયંતીએ રડતાં રડતાં જણાવ્યું હતું કે ‘આ બધું થયું ત્યારે અમે ઘરે નહોતા. એકમાત્ર આશાવાદ એ છે કે મારો ભાઈ અને તેમનો પરિવાર સલામત છે.’

bengaluru national news