સેક્સ સીડી પ્રકરણમાં કર્ણાટકના પ્રધાને આપ્યું રાજીનામું

04 March, 2021 10:00 AM IST  |  Bangalore | Agency

સેક્સ સીડી પ્રકરણમાં કર્ણાટકના પ્રધાને આપ્યું રાજીનામું

કર્ણાટકના જળ સંસાધન ખાતાના પ્રધાન રમેશ જરાકિહોલીએ સેક્સ સીડી પ્રકરણમાં નૈતિક જવાબદારી સ્વીકારીને હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. સીડીમાં રમેશ જરાકિહોલી કોઈ સ્ત્રી જોડે કઢંગી સ્થિતિમાં જોવા મળ્યા હોવાનું કહેવાય છે. બીજેપી હાઈ કમાન્ડે રાજીનામું ન આપે તો પ્રધાનમંડળમાંથી બરતરફ કરવાની ચીમકી આપવાને કારણે રમેશ જરાકિહોલીએ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

ટિકટૉક સ્ટાર પૂજા ચવાણે કરેલી આત્મહત્યાના કેસમાં બીજેપીના ‘નૈતિકતાના ધોરણે’ ઊહાપોહને પગલે જંગલ ખાતાના પ્રધાન અને શિવસેનાના નેતા સંજય રાઠોડને રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેથી એ પ્રકારના કિસ્સામાં બીજેપીના નેતાઓ જોખમ લેવા ન ઇચ્છતા હોવાથી રમેશ જરાકિહોલીને વહેલી તકે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપવાની સૂચના આપી હતી.

રમેશ જરાકિહોલીએ રાજીનામાના પત્રમાં જણાવ્યું હતું કે ‘વિવાદના કારણરૂપ બનાવટી સીડીના કિસ્સાની પૂર્ણ તપાસ કરવી જોઈએ. હું નિર્દોષ હોવા છતાં નૈતિક જવાબદારીના ધોરણે પ્રધાનમંડળના હોદ્દા પરથી રાજીનામું આપું છું.’ કર્ણાટકના ગૃહપ્રધાન બસવરાજ બોમ્માઈએ જણાવ્યું હતું કે ‘આ કિસ્સાની કાયદેસર તપાસ હાથ ધરવામાં આવશે અને રમેશ જરાકિહોલી સામે કેવાં પગલાં લેવાં તેનો નિર્ણય બીજેપીના વરિષ્ઠ નેતાઓ લેશે.’

આરોપ મૂકનારી મહિલાએ ડ્રોન કૅમેરા અને સ્પેશ્યલ કૅમેરા વડે સમગ્ર કર્ણાટકના બંધો-જળાશયો વિશે ફિલ્મ બનાવવાની દરખાસ્ત સાથે રાજ્યના પ્રધાન રમેશ જરાકિહોલીનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ બે મુલાકાતો પછી જરાકિહોલીએ એ મહિલાને કર્ણાટક પાવર કૉર્પોરેશનમાં નોકરીની લાલચ આપીને નિકટતા કેળવવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપો કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં મૂકવામાં આવ્યા છે.

national news karnataka bengaluru