કોરોનાનો પ્રભાવી ઉપચાર શોધી કાઢ્યાનો બેંગ્લોર ડોક્ટરનો દાવો

29 March, 2020 06:19 PM IST  |  Mumbai Desk | GNS

કોરોનાનો પ્રભાવી ઉપચાર શોધી કાઢ્યાનો બેંગ્લોર ડોક્ટરનો દાવો

દુનિયાભરમાં તબાહી મચાવનારા કોરોના વાયરસે ભારતમાં પણ તાંડવ મચાવ્યું છે. સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો કોરોના વાયરસ માટે રસી શોધવામાં લાગ્યા છે ત્યારે આ બધા વચ્ચે બેંગ્લુરુના એક ડોક્ટરે એવો દાવો કર્યો છે કે તેમણે કોરોનાનો પ્રભાવી ઉપચાર શોધી કાઢ્યો છે. 

રિપોર્ટ મુજબ બેંગ્લુરુના ઓન્કોલોજિસ્ટ વિશાલ રાવે દાવો કર્યો છે કે તેમણે કોરોના વાયરસ માટે ઉપચાર શોધી કાઢ્યો છે. તેમણે દાવો કર્યો છે કે આ ઉપચાર આ સપ્તાહના અંત સુધીમાં પરીક્ષણ માટે તૈયાર થઈ જશે.

ડોક્ટરે કહ્યું કે આ ઉપચાર વ્યક્તિની ઈમ્યુન સિસ્ટમને રીટ્રિગર કરશે જે વાઇરસના કારણે પ્રભાવિત થયેલી હોય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ દવા કોરોના વાયરસની વેક્સિન નથી પરંતુ તે દર્દીની ઈમ્યુન સિસ્ટમને મજબુત કરવાનું કામ કરશે જેનાથી દર્દીનું શરીર કોરોના વાયરસ સામે મજબુતાઈથી લડી શકે.

તેમણે કહ્યું કે અમે સાઈટોકિન્સનું નિર્માણ કર્યું છે જે કોવિડ-૧૯ના દર્દીઓની ઈમ્યુન સિસ્ટમ પાવરફૂલ બનાવવા માટે તેમને ઈન્જેક્શન દ્વારા આપી શકાય છે. અમે એક ખુબ જ પ્રાથમિક તબક્કામાં છીએ. આ અઠવાડિયાના અંત સુધીમાં પહેલો સેટ તૈયાર થઈ જાય તેવી આશા છે.

ડોક્ટર રાવે કહ્યું કે અમે સંભવિત ઉપચારની તાબડતોબ સમીક્ષા માટે સરકારને એક અરજી પણ કરી છે. બેંગ્લુરુના આ કેન્સર વિશેષજ્ઞએ કહ્યું કે માનવ શરીરની કોશિકાઓ વાયરસને મારવા માટે ઈન્ટરફેરોન કેમિકલ છોડે છે. વાઇરસથી સંક્રમિત થયા બાદ કોશિકાઓની આ પ્રક્રિયા બંધ થઈ જાય છે. જેનાથી ઈમ્યુન સિસ્ટમ નબળી પડવા લાગે છે. તેમણે કહ્યું કે કોવિડ-૧૯ સામે લડવામાં ઈન્ટરફેરોન પ્રભાવી છે.

coronavirus covid19 national news