પશ્ચિમ બંગાળમાં કેરલ સ્ટોરી પર પ્રતિબંધ, શાંતિ જાળવવા માટે મમતા સરકારનો નિર્ણય

08 May, 2023 06:07 PM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

મમતા બેનર્જીએ પણ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, “ભાજપ સરકાર ફિલ્મ નિર્માતાઓને ખોટી વાર્તાઓ વાળી બંગાળ ફાઈલ્સ બનાવવા માટે પૈસા આપી રહી છે"

ફાઇલ તસવીર

પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee)એ ફિલ્મ `ધ કેરલ સ્ટોરી` પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. મમતાએ રાજ્યના મુખ્ય સચિવને બંગાળના સિનેમાઘરોમાંથી ફિલ્મ હટાવવાનો આદેશ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બંગાળમાં શાંતિ જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી શહેરમાં હિંસા અને ગુનાની ઘટનાઓને અટકાવી શકાય.

મમતા બેનર્જીએ પણ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, “ભાજપ (BJP) સરકાર ફિલ્મ નિર્માતાઓને ખોટી વાર્તાઓ વાળી બંગાળ ફાઈલ્સ બનાવવા માટે પૈસા આપી રહી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપ `ધ કેરલ સ્ટોરી` નામની ફિલ્મ બતાવી રહી છે, જેની વાર્તા બનાવટી છે. થોડા દિવસો પહેલા તેમના દ્વારા મોકલવામાં આવેલા કલાકારો બંગાળ આવ્યા હતા અને તેઓ બનાવટી અને ખોટી વાર્તા સાથેની ફિલ્મ બેંગાલ ફાઇલ્સની તૈયારી કરી રહ્યા છે.”

મમતા વધુમાં કહે છે કે, “આ લોકો કેરળ અને તેના લોકોને બદનામ કરી રહ્યા છે. તેઓ દરરોજ બંગાળના ગૌરવને પણ નુકસાન પહોંચાડે છે. ભાજપ શા માટે સાંપ્રદાયિક સમસ્યાઓ ઊભી કરી રહી છે? શું આ બધું કરવાનું કોઈ રાજકીય પક્ષનું કામ છે? તેમને આવું કરવાનો અધિકાર કોણે આપ્યો?”

પશ્ચિમ બંગાળ પહેલા તમિલનાડુમાં ફિલ્મ `ધ કેરલ સ્ટોરી`નો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તમિલનાડુના મલ્ટિપ્લેક્સ એસોસિએશને સિનેમાઘરોમાં ફિલ્મ બતાવવાનો ઇનકાર કર્યો હતો. માહિતી અનુસાર, તમિલનાડુ મલ્ટીપ્લેક્સ એસોસિએશને જાહેરાત કરી હતી કે રવિવારથી રાજ્યભરમાં `ધ કેરલ સ્ટોરી`નું સ્ક્રીનિંગ બંધ કરી દેવામાં આવશે. તેના નિર્ણય પાછળનું કારણ જણાવતા એસોસિએશને કહ્યું છે કે આ ફિલ્મ `કાયદો અને વ્યવસ્થા માટે ખતરો` બની શકે છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે સામાન્ય લોકો તરફથી ફિલ્મને મળેલો ઠંડો પ્રતિસાદ પણ આ નિર્ણય પાછળનું એક કારણ છે.

આ પણ વાંચો: આ ઍપ પર સ્વિગી અને ઝૉમેટો કરતાં સસ્તું મળે છે ફૂડ, આ રીતે કરો ઑર્ડર

`ધ કેરલ સ્ટોરી` પર વિવાદ

ફિલ્મ `ધ કેરળ સ્ટોરી`ના ટ્રેલરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેરળની 32,000 છોકરીઓ આવી ઘટનાઓનો શિકાર બની છે. અહીંથી વિવાદો શરૂ થયો છે. કેરલની હાઈકોર્ટમાં પણ અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માગ કરવામાં આવી હતી.

mamata banerjee west bengal kolkata bharatiya janata party bollywood news