બૅલેસ્ટિક મિસાઇલ અગ્નિ-2નું સફળ પરીક્ષણ, વધારશે દેશની તાકાત

18 November, 2019 10:46 AM IST  |  Mumbai

બૅલેસ્ટિક મિસાઇલ અગ્નિ-2નું સફળ પરીક્ષણ, વધારશે દેશની તાકાત

અગ્નિ-2નું સફળ પરીક્ષણ

ભારતે શનિવારે મધ્યમ અંતરની બૅલેસ્ટિક મિસાઇલ અગ્નિ-2નું સફળ પરીક્ષણ કર્યું છે. સરકારી સૂત્રો અનુસાર ઓડિશાના બાલાસોરથી આ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ એટલા માટે મહત્ત્વનું છે કારણ કે ભારતે પહેલી વાર આ મિસાઇલનું રાત્રે પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ ૨૦૦૦ કિલોમીટર સુધી માર કરી શકે છે. સ્ટ્રૅટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા ઓડિશાના કિનારાથી અગ્નિ-2 મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અગ્નિ-2 બૅલેસ્ટિક મિસાઇલ ૨૦ મીટર લાંબી હોય છે અને એ ૧૦૦૦ કિલો જેટલું વજન લઈ જવા માટે સક્ષમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગ્નિ-2 મિસાઇલને પહેલાં જ સેનામાં સમાવવામાં આવી ચૂકી છે. એને ડીઆરડીઓની ઍડ્વાન્સ સિસ્ટમ્સ લૅબોરેટરીએ તૈયાર કરી છે. આ મિસાઇલને ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવી છે.
અત્યાધુનિક નેવિગેશન સિસ્ટમથી યુક્ત આ મિસાઇલમાં સારું કમાન્ડ અને કન્ટ્રોલ સિસ્ટમ છે. આ મિસાઇલ અગ્નિ સિરીઝ મિસાઇલનો હિસ્સો છે. આ સિરીઝમાં ૭૦૦ કિલોમીટર સુધી જનારી અગ્નિ-1 અને ૩૦૦૦ કિલોમીટર સુધી જનારી અગ્નિ-3 મિસાઇલનો સમાવેશ છે. આ ઉપરાંત લાંબા અંતર સુધી માર કરનારી અગ્નિ-4 અને અગ્નિ-5 પણ આ સિરીઝનો હિસ્સો છે.

national news