યોગી આદિત્યનાથનો અવિરત વીજળીનો દાવો પોકળ નીકળ્યો

28 July, 2025 09:52 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

૪૮ કલાક પછી બલિયાની સરકારી હૉસ્પિટલમાં ૪૫ મિનિટ વીજળી ડૂલઃ ટૉર્ચલાઇટમાં દરદીઓની સારવાર કરતા ડૉક્ટરનો વિડિયો વાઇરલ

બલિયાની સરકારી હૉસ્પિટલમાં ૪૫ મિનિટ વીજળી ડૂલઃ ટૉર્ચલાઇટમાં દરદીઓની સારવાર કરતા ડૉક્ટરનો વિડિયો વાઇરલ

ઉત્તર પ્રદેશના બલિયામાં સરકારી હૉસ્પિટલનો એક વિડિયો ગઈ કાલે વાઇરલ થયો હતો. આ વિડિયોમાં ટૉર્ચલાઇટમાં ડૉક્ટર દરદીઓની સારવાર કરતા નજરે પડતા હતા તો બીજી તરફ દાખલ દરદીઓ ગરમીથી હેરાન પરેશાન દેખાઈ રહ્યા હતા. આ વિડિયો સામે આવ્યા પછી હૉસ્પિટલના અધિકારીઓએ સ્પષ્ટતા આપી હતી કે શુક્રવારે સાંજે એમના વિસ્તારમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. એ જ સમયે હૉસ્પિટલના ઇમર્જન્સી મેડિકલ બિલ્ડિંગનાં જનરેટર્સ પણ ટેક્નિકલ ખામીને લીધે બંધ પડી ગયાં હતાં. આ બન્ને સ્થિતિ એકસાથે સર્જાતાં હૉસ્પિટલની વીજળી ૪૫ મિનિટ સુધી ખોરવાઈ ગઈ હતી. જોકે હવે હૉસ્પિટલમાં વધારાનાં ઇન્વર્ટર્સ પણ ગોઠવી દેવામાં આવ્યાં છે.

અલબત્ત, મહત્ત્વની વાત એ છે કે પચીસ જુલાઈએ રાતે ૮.૫૫ વાગ્યે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું હતું કે ઉત્તર પ્રદેશમાં જરૂર પ્રમાણેની વીજળી ઉપલબ્ધ છે અને અમે તમામ ઉપભોક્તાઓને અવિરત વીજળી પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ. જૂન મહિનાના આંકડા આપીને યોગીજીએ એવો દાવો પણ કર્યો હતો કે  રાજ્યની ઊર્જાક્ષમતા સુદૃઢ છે.

uttar pradesh national news news yogi adityanath viral videos social media medical information twitter