બાળ ઠાકરેએ કરેલો વજ્રઘાત અને અણ્ણા હઝારેએ કર્યો સ્વબચાવ

15 October, 2011 07:32 PM IST  | 

બાળ ઠાકરેએ કરેલો વજ્રઘાત અને અણ્ણા હઝારેએ કર્યો સ્વબચાવ

પાકિસ્તાનની તરફેણમાં બોલવા માટે પ્રશાંત ભૂષણને પૈસા મળ્યા છે : બાળ ઠાકરે

શ્રીરામ સેના દ્વારા પ્રશાંત ભૂષણ પર કરવામાં આવેલા હુમલાનો બચાવ કરતાં શિવસેનાના વડા બાળ ઠાકરેએ ગઈ કાલે ‘સામના’ના તંત્રીલેખમાં લખ્યું હતું કે ‘કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનની તરફેણમાં બોલવા માટે પ્રશાંત ભૂષણને પૈસા મળ્યા હતા. પાકિસ્તાન પણ કાશ્મીરમાં જનમતની માગણી કરી રહ્યું છે ત્યારે એનું સમર્થન કરવા બદલ શું પ્રશાંત ભૂષણ પર ફૂલોનો વરસાદ કરવો જોઈએ? ભૂષણ પર હુમલો કરનારાઓ ચોર કે લૂંટારા નહોતા. તેઓ તેમને કાશ્મીર મામલે કરેલી ટિપ્પણી વિશે સવાલ પૂછવા ગયા હતા.’

ભ્રષ્ટાચારની વિરુદ્ધ જનલોકપાલ બિલ લાવવા માટે સામાજિક કાર્યકર અણ્ણા હઝારેના ઉપવાસ આંદોલનને સર્પોટ કરનારા બાળ ઠાકરેએ કહ્યું હતું કે ‘અણ્ણા હઝારે અને તેમના સાથીદારો ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલે ત્યાં સુધી વાંધો નથી, પરંતુ તેઓ રાષ્ટ્રીય સુરક્ષાથી માંડીને ચૂંટણીપ્રક્રિયા સુધીના તમામ મુદ્દાઓ પર કૉમેન્ટ કરી રહ્યા છે.

કાશ્મીર ભારતનો તાજ છે અને ભૂષણ આ તાજ ઉતારવાનું કહી રહ્યા છે છતાં અણ્ણાએ તેમની કૉમેન્ટ પર ટીકા કરવાને બદલે તેમના પર થયેલા હુમલાની ટીકા કરી છે. ભારતમાં અમુક જૂથોને બિનજરૂરી મહત્વ આપવામાં આવી રહ્યું છે. ટીમ અણ્ણા એમાંનું જ એક ગ્રુપ છે.’

કાશ્મીરમાં લોકમત લેવા વિશેના વિચાર સાથે હું જરાય સંમત નથી : અણ્ણા હઝારે

ટીમ અણ્ણાના મહત્વના સભ્ય તથા સુપ્રીમ ર્કોટના વિખ્યાત વકીલ શાંતિ ભૂષણે કાશ્મીરમાં લોકમત યોજવા વિશે કરેલી ટિપ્પણી પછી તેમના પર હુમલો થયા બાદ સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ પણ તેમનો વિરોધ કર્યો હતો. અણ્ણા હઝારેએ ગઈ કાલે રાળેગણ સિદ્ધિમાં કહ્યું હતું કે ‘પ્રશાંત ભૂષણે કાશ્મીર વિશે કરેલી ટિપ્પણી તેમનો અંગત વિચાર હોઈ શકે. ટીમ અણ્ણા તેમના વિચારો સાથે સંમત નથી. અમને તેમનો આ વિચાર જરાય પસંદ નથી પડ્યો.’

હઝારેએ કહ્યું હતું કે ‘કાશ્મીર ભારતનો અવિભાજ્ય હિસ્સો છે. તેને ભારતથી છૂટો ન પાડી શકાય તથા એવું ન થાય એ સુનિશ્ચિત કરવા કંઈ પણ કરી છૂટવું જોઈએ અને એ જ યોગ્ય ગણાશે.’

અણ્ણાએ સ્પષ્ટતા કરી હતી કે ‘પ્રશાંત ભૂષણે ટીમ અણ્ણા વતી કોઈ પણ કૉમેન્ટ કરતાં પહેલાં અમારી સાથે ચર્ચા કરીને અમારી સંમતિ મેળવવી જોઈએ. જોકે તેઓ તેમના અંગત વિચારો રજૂ કરવા માટે મુક્ત છે. આ માટે તેમને કોઈ પરવાનગીની જરૂર નથી.’

શું પ્રશાંત ભૂષણને તેમની ટીમના સભ્ય તરીકે ચાલુ રાખવામાં આવશે કે હાંકી કાઢવામાં આવશે એના જવાબમાં અણ્ણાએ કહ્યું હતું કે એ વિશે હવે પછી નિર્ણય લેવામાં આવશે. કિરણ બેદી અને સ્વામી અગ્નિવેશે પણ પ્રશાંત ભૂષણની ટિપ્પણીની કડક ટીકા કરી હતી.

ભૂષણની ૨૪ કલાકમાં ટીમમાંથી હકાલપટ્ટી કરવા અણ્ણાને અલ્ટિમેટમ

ટીમ અણ્ણામાંથી પ્રશાંત ભૂષણની ૨૪ કલાકમાં હકાલપટ્ટી કરવાનું અલ્ટિમેટમ શિવસેનાએ આપ્યું છે. પ્રશાંત ભૂષણની ગઈ કાલના ‘સામના’માં જોરદાર ટીકા કરવામાં આવ્યા બાદ શિવસેનાએ તેમની ટીમ અણ્ણામાંથી હકાલપટ્ટી કરવાની માગણી અણ્ણા હઝારે પાસે કરી છે. શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે ‘ભ્રષ્ટાચારી નેતાની હકાલપટ્ટી કરવાની માગણી કરી રહ્યા છો તો પછી દેશદ્રોહી પ્રશાંત ભૂષણની કેમ નહીં? જે કોઈ દેશના હિતના વિરોધમાં બોલશે તે આવી જ રીતે માર ખાશે.’

હુમલા પાછળનું કારણ બીજું હોઈ શકે : કેજરીવાલ

સુપ્રીમ ર્કોટના વકીલ પ્રશાંત ભૂષણ પર શ્રીરામ સેના દ્વારા કરવામાં આવેલા હુમલા વિશે ટીમ અણ્ણાએ ગઈ કાલે કહ્યું હતું કે પ્રશાંત ભૂષણ પર હુમલા માટે ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘પ્રશાંત ભૂષણ પર થયેલા હુમલા માટે તેમણે કાશ્મીર વિશે કરેલી કૉમેન્ટ નહીં, પણ બીજું જ કોઈક કારણ હોવાનું લાગી રહ્યું છે. અમને લાગે છે કે ભ્રષ્ટાચારી લોકોએ ભેગા મળીને તેમની ધુલાઈ કરી હશે. લોકોનું ધ્યાન ભ્રષ્ટાચારના મુદ્દા પરથી હટાવવા માટે આ હુમલાનું ષડ્યંત્ર ઘડવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે.’