બિપિન રાવતના ચૉપર ક્રૅશ માટે કાવતરું નહીં, ખરાબ હવામાન જવાબદાર

16 January, 2022 09:33 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દેશના ટોચના હેલિકૉપ્ટર પાઇલટ ઍર માર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વમાં કોર્ટ ઑફ ઇન્કવાયરી શરૂ થઈ હતી

બિપિન રાવત

 ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને લઈને જતા ચૉપરના ક્રૅશની તપાસના પ્રાથમિક તારણ અનુસાર આ દુર્ઘટના માટે ખરાબ હવામાન જવાબદાર હતું. ગયા મહિને થયેલા આ ક્રૅશમાં બિપિન રાવતનું નિધન થયું હતું.  આ અકસ્માતની તપાસ કરનારી તપાસ ટીમે પ્રાથમિક તારણમાં જણાવ્યું હતું કે ‘દુર્ઘટના પહેલાં આ ચૉપરમાં કોઈ પણ પ્રકારની ટેક્નિકલ ખામી નહોતી. કોઈ પણ પ્રકારનું કાવતરું નહોતું. દુર્ઘટનાનું મુખ્ય કારણ ખરાબ હવામાન છે. અચાનક વેધર ખરાબ થઈ જવાના કારણે ત્યાં વાદળ ખૂબ જ ઘેરાયેલાં હોવાનાં કારણે પાઇલટ માટે એ અંદાજ લગાવવો મુશ્કેલ થઈ ગયું હતું કે ચૉપર જમીનની સપાટી કે પર્વતથી કેટલું ઉપર છે. એ અંદાજ પણ નહોતો લગાવી શકાયો કે આગળ શું આવી શકે છે. દુર્ઘટના પહેલાં ચૉપર પાઇલટના કન્ટ્રોલમાં હતું.’ ગયા વર્ષે આઠમી ડિસેમ્બરે તામિલનાડુના કોઇમ્બતૂરમાં સુલુર ઍરફોર્સ બેઝથી જનરલ રાવત, તેમનાં વાઇફ મધુલિકા અને આર્મ્ડ ફોર્સિસના અન્ય ૧૨ જવાનો અને અધિકારીઓને લઈને જતું એમઆઇ-૧૭વીફાઇવ હેલિકૉપ્ટર વૅલિંગ્ટનમાં ડિફેન્સ સ્ટાફ સર્વિસિસ કૉલેજમાં જઈ રહ્યું હતું ત્યારે ક્રૅશ થયું હતું. આ ક્રૅશમાં સીડીએસ જનરલ રાવત, તેમનાં વાઇફ અને અન્ય ૧૨ જણનાં નિધન થયાં હતાં.
દેશના ટોચના હેલિકૉપ્ટર પાઇલટ ઍર માર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વમાં કોર્ટ ઑફ ઇન્કવાયરી શરૂ થઈ હતી. 

national news