“નરેન્દ્ર મોદીમાં હજી સુધી મારો ભરોસો ટકી રહ્યો છે”

21 February, 2017 06:13 AM IST  | 

“નરેન્દ્ર મોદીમાં હજી સુધી મારો ભરોસો ટકી રહ્યો છે”



વડા પ્રધાનમાંનો પોતાનો વિશ્વાસ હજી સુધી ટકી રહ્યો હોવાનું જણાવતાં યોગગુરુ બાબા રામદેવે ગઈ કાલે કહ્યું હતું કે ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વખતે આપેલાં વચનોનું પાલન કરવા માટે નરેન્દ્ર મોદી પાસે હજી બે વર્ષનો સમય બાકી છે. કોઈ નવો રાજકીય પક્ષ રચવાની શક્યતાને તેમણે નકારી કાઢી હતી.

મધ્ય પ્રદેશના ભોપાલમાં પત્રકારો સાથે વાત કરતાં બાબા રામદેવે કહ્યું હતું કે ‘વિશ્વમાં દરેક બાબત શ્રદ્ધા અને વિશ્વાસ પર આધારિત છે. દેશમાંનાં બ્લૅક મની સામે પગલાં લેવામાં આવ્યાં છે, અન્ય દેશોમાં સંઘરવામાં આવેલાં બ્લૅક મનીને પાછું લાવવા માટે અસરકારક વ્યવસ્થા બનાવવી જરૂરી છે. એ લોકોનાં નાણાં છે.’

નર્મદા નદીના સંરક્ષણ બાબતે જાગૃતિ ફેલાવવાના હેતુસર યોજવામાં આવેલી નમામી દેવી નર્મદે સેવાયાત્રામાં ભાગ લેવા અલીરાજપુર જઈ રહેલા બાબા રામદેવે કહ્યું હતું કે ‘હું વડા પ્રધાનથી અત્યાર સુધી નિરાશ થયો નથી. વચનોનું પાલન કરવાનો ટ્રૅક-રેકૉર્ડ નરેન્દ્ર મોદી ધરાવે છે. તેમની સરકારે શાસનનાં ત્રણેક વર્ષ પૂરાં કયાર઼્ છે અને વધુ બે વર્ષ બાકી છે. વડા પ્રધાનનું પદ બહુ શક્તિશાળી હોય છે અને નરેન્દ્ર મોદી આગામી બે વર્ષમાં લોકોની અપેક્ષાઓને સંતોષી શકશે.’

બાબા રામદેવે એવું પણ કહ્યું હતું કે હું નિષ્પક્ષ તથા તટસ્થ રહીશ અને રાષ્ટ્રહિતના કોઈ પણ કામમાં કૉન્ગ્રેસ મારી મદદ માગશે તો હું કૉન્ગ્રેસને પણ આવકારીશ.

ભ્રષ્ટાચાર તથા બ્લૅક મની પર પૂર્ણવિરામ મૂકવા માટે સિસ્ટમ બદલવાનું વચન વડા પ્રધાનપદ માટેના BJPના તત્કાલીન ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કઈ રીતે આપ્યું હતું એની વાત પણ બાબા રામદેવે કરી હતી.

૨૦૦૦ની નોટ સરકારે પાછી ખેંચવી જોઈએ : રામદેવ

બાબા રામદેવે કહ્યુ હતું કે ૨૦૦૦ની નોટ ચલણમાં મૂકવાના નિર્ણય વિશે સરકારે પુનર્વિચાર કરવો જોઈએ. મોટા મૂલ્યની નોટ કોઈ દેશમાં હોય એ સારી વાત નથી. એટલે જ કદાચ વડા પ્રધાન ડિજિટલ વ્યવહોરોની વાત કરે છે. ૨૦૦૦ની નોટ ભવિષ્યમાં સરકારે પાછી ખેંચી લેવાનો વિચાર કરવો જોઈએ.