બાબા રામદેવે અનશન તોડ્યાં, ખાઈ-પીને કરશે સરકારનો વિરોધ

14 August, 2012 06:39 AM IST  | 

બાબા રામદેવે અનશન તોડ્યાં, ખાઈ-પીને કરશે સરકારનો વિરોધ

 

નવી દિલ્હી, તા.14 ઓગસ્ટ, 2012

 

બાબા રામદેવે ગઈ કાલે દીલ્હીમાં હાઈ ડ્રામા વોલ્ટેજ દ્વારા રાજધાનીને લગભગ હાઈજેક કરી હતી. ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં મામલે છેલ્લા છ દિવસથી અનશન કરી રહેલાં બાબા રામદેવે આજે પોતાના અનશન તોડીને કહ્યું હતું કે હવે ખાઈ-પીને કરીશું સરકારનો વિરોધ.

 

આજે સવારે બાબા રામદેવે પોતાના અનશન તોડતાં પહેલાં કહ્યું હતું કે પ્રજાએ મારી સાથે રહીને સરકારને અમારો મજબૂત ઈરાદો અને પરચો આપી દીધો જેનાથી અમારો હેતુ પૂર્ણ થયો છે. હવે અમે ખાઈ-પીને સરકારનો વિરોધ કરતાં રહીશું.

 

બાબા રામદેવે આજે 12 વાગે બાળકોના હસ્તે જ્યૂસ પીને અનશનના પારણાં કર્યાં હતાં. બાબાએ કહ્યું હતું કે હવે અનશન નહીં પરંતુ સીધી કાર્યવાહી કરવામાં આવશે.

 

પોતાના અનશન તોડ્યાં બાદ બાબાએ કહ્યું હતું કે હવે 2014ની ચૂંટણી સુધી કોઈ મોટું આંદોલન નહીં કરવામાં આવે. જોકે હવે ચૂંટણી સમયે કઈ પાર્ટીને જીતવાની તે માટે અમે પ્રજાને અપીલ તેમ જ પ્રચાર કરીશું. તેમણે એમ પણ કહ્યું હતું કે કાળાં નાણાં મામલે જો વોટિંગ થાય તો કોન્ગ્રેસ સરકાર ક્યારની ધ્વન્સ થઈ જાત.

 

હવે બાબા પોતાના અનશન તોડીને હરિદ્વાર પોતાના આશ્રમ જવા નીકળશે અને ત્યાંથી આગળ તેમની રણનીતિ ઘડશે. અનશન તેમ જ આંદોલન પૂર્ણ કરતી વખતે બાબા અને સમર્થકોએ છેલ્લે વંદે માતરમ્ ગાઈને આંદોલનની સમાપ્તિની ઘોષણા કરી હતી. જેના પરિણામે ધીરે ધીરે બાબા આંબેડકર મેદાન પરથી સમર્થકોની ભીડ ઓછી થઈ રહી છે અને બાબા રામદેવ પણ હરિદ્વાર જવા રવાના થશે.