હરિયાણામાં વિવાદાસ્પદ સંત રામપાલની ધરપકડ માટે ધમાલ

19 November, 2014 06:00 AM IST  | 

હરિયાણામાં વિવાદાસ્પદ સંત રામપાલની ધરપકડ માટે ધમાલ




વિવાદાસ્પદ સંત રામપાલના હરિયાણાના હિસાર જિલ્લામાંના બરવાલા ખાતે આવેલા આશ્રમ પાસે ગઈ કાલે વ્યાપક હિંસા ફાટી નીકળી હતી. રામપાલની ધરપકડ કરવા પહોંચેલી પોલીસની આશ્રમમાં પ્રવેશવા દેવાની વારંવારની વિનંતી રામપાલના ટેકેદારોએ સાંભળી નહોતી. તેમને વિખેરવા પોલીસે ટિયરગૅસના શેલ્સ છોડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. રામપાલના ટેકેદારોએ વળતો ગોળીબાર કર્યો હતો.

આ ધમાચકડીમાં સલામતી રક્ષકો અને મીડિયા-કર્મચારીઓ સહિત ૧૦૦થી વધુ લોકો ઘવાયા હતા. રામપાલના સમર્થકોના ઉત્પાતમાં ૧૦૫ પોલીસ-કર્મચારીઓ ઘવાયા હોવાનો અને તે પૈકીના નવને ગોળી વાગી હોવાનો દાવો પોલીસે કર્યો હતો. રામપાલના ૫૦ ટેકેદારોએ આત્મદાહનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલો પણ છે. મીડિયા-કર્મચારીઓની મારપીટ કરવાના મુદ્દે રાષ્ટ્રીય માનવાધિકાર પંચે હરિયાણાના પોલીસ-ચીફને નોટિસ પાઠવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સમગ્ર કિસ્સા બાબતે હરિયાણા સરકાર પાસેથી અહેવાલ મગાવ્યો છે.

રામપાલના ટેકેદારો મહિલાઓ અને બાળકોને આશ્રમમાં ઢાલ બનાવીને પોલીસ સામે ટક્કર લેતા હોવાથી પોલીસ માટે આશ્રમમાં પ્રવેશવાનું મુશ્કેલ થઈ ગયું છે. આ ઑપરેશન ગઈ કાલે એક રાત માટે અટકાવી દેવામાં આવ્યું હતું. આશ્રમની ચોતરફથી પોલીસ-બંદોબસ્ત પણ હટાવી લેવામાં આવ્યો હતો અને ફાયર-બ્રિગેડના વાહનો પણ પરત મોકલવામાં આવ્યાં હતાં. હવે આજે સવારથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રામપાલની ધરપકડ માટે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે સોમવારે બિનજામીનપાત્ર વૉરન્ટ બહાર પાડ્યું હતું.

હરિયાણાના ગૃહસચિવે જણાવ્યું હતું કે રામપાલની ધરપકડનું ઑપરેશન ક્યાં સુધી ચાલશે એ કહી શકાય એમ નથી. ડેપ્યુટી પોલીસ-ચીફે જણાવ્યું હતું કે આશ્રમમાં મોટા પ્રમાણમાં પેટ્રોલ-બૉમ્બ અને હથિયારો છે. સૈન્યનો એક નિવૃત્ત અધિકારી પણ આશ્રમની અંદર છે. એથી રામપાલના સમર્થકો કમાન્ડોની માફક પોલીસ પર હુમલા કરી રહ્યા છે.

એન્જિનિયરમાંથી બાબા બનેલા રામપાલ માટે જીવ આપવા અનેક લોકો તૈયાર

સંત રામપાલની ધરપકડના મુદ્દે સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. એક સામાન્ય ખેડૂતના પરિવારમાં જન્મેલા રામપાલ માટે પોતાનો જીવ આપવા તેમના અનેક સમર્થકો તૈયાર છે ત્યારે એ જાણવું જરૂરી બની જાય છે કે આ રામપાલ છે કોણ.

હરિયાણાના સોનીપતના ગોહાના તાલુકાના ધનાના ગામમાં જન્મેલા રામપાલ દાસે અભ્યાસ પૂરો કર્યા બાદ હરિયાણાના સિંચાઈ વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી શરૂ કરી હતી. એ દરમ્યાન તેમની મુલાકાત કબીરપંથના ૧૦૭ વર્ષની વયના સંત સ્વામી રામદેવાનંદ મહારાજ સાથે થઈ હતી. રામદેવાનંદના શિષ્ય બનેલા રામપાલે ૧૯૯૫ની ૨૧ મેએ નોકરી છોડી દીધી હતી અને સત્સંગ શરૂ કર્યો હતો.

રામપાલના અનુયાયીઓની સંખ્યા વર્ષો પસાર થવાની સાથે વધવા લાગી અને કમલાદેવી નામની એક મહિલાએ કરોંથા ગામમાંની પોતાની જમીન રામપાલને આશ્રમ બનાવવા દાનમાં આપી દીધી હતી. ૧૯૯૯માં ટ્રસ્ટ બનાવીને રામપાલે સતલોક આશ્રમનો પાયો નાખ્યો હતો.

સ્વામી દયાનંદ વિશેના એક પુસ્તક પર ૨૦૦૬માં રામપાલે કરેલી ટિપ્પણીના પગલે આર્યસમાજીઓ અને રામપાલના સમર્થકો વચ્ચે હિંસક તોફાનો થયાં હતાં. એમાં એક વ્યક્તિનું મોત થયું હતું. એ પછી ૨૦૦૬ની ૧૩ જુલાઈએ સ્થાનિક વહીવટી તંત્રે રામપાલના આશ્રમનો કબજો લઈ લીધો હતો અને રામપાલ તથા તેમના ૨૪ ટેકેદારોની ધરપકડ કરી હતી. ૨૦૦૯માં રામપાલને આશ્રમનો કબજો પાછો મળી ગયો હતો.

૨૦૧૩માં રામપાલના ટેકેદારો અને આર્યસમાજીઓ વચ્ચે ફરી એક વાર હિંસક સંઘર્ષ થયો હતો, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં રામપાલે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થવાનું છે.