03 November, 2026 02:30 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
બાબા બાગેશ્વર
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની તુલના કરતા નિવેદન પર વિવાદ ઊભો થયા પછી હાથ જોડીને માફી માગી છે. એક કથા દરમ્યાન તેમણે ભગવાન રામની તુલના ભગવાન કૃષ્ણ સાથે કરી હતી જેમાં તેમણે ભગવાન રામને ‘સીધા’ અને ભગવાન કૃષ્ણને ‘ટેઢા’ (ત્રણ જગ્યાએ ટેઢા એટલે કે કુટિલ) કહ્યા હતા. આ નિવેદનની સોશ્યલ મીડિયા પર આકરી ટીકા થઈ હતી અને મથુરામાં કૃષ્ણભક્તો અને સંતો ગુસ્સે થયા હતા.
આ મુદ્દે ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક વિડિયો-મેસેજમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘મેં ભાવમાં આવીને ઘણું બધું કહ્યું હતું, પણ મારો હેતુ એવો નહોતો. હું ભગવાન કૃષ્ણનો વિરોધી નથી. મારા શબ્દોનું ખોટું અર્થઘટન ન થવું જોઈએ. એ છતાં મેં જે કહ્યું હતું એ ખોટું હતું. મારે એવું ન કહેવું જોઈતું હતું. ભાવનાઓમાં વહી જવાથી મારા મોઢામાંથી એ શબ્દો નીકળી ગયા હતા. મારો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કે વિભાજન કરવાનો નહોતો.’