અયોધ્યાનો મિસ્ટરી મૅન: ઑટો-ડ્રાઇવરમાંથી રામ મંદિરના મૅનેજમેન્ટમાં ઘૂસ્યો

15 June, 2026 10:06 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

રામ મંદિરના ચડાવામાં ગરબડના મામલે ટ્રસ્ટી ચંપત રાયના વિશ્વાસુ ટીનુ યાદવ પર શંકાની સોચ

રામ શંકર યાદવ ઉર્ફે ટીનુ.

ભૂતપૂર્વ અકાઉન્ટ ઇન્ચાર્જે લગાવ્યા આરોપો : ૧૪ દાનપેટી અને કરોડોનો ચડાવો ગાયબ, ૮ મહિનાનાં CCTV કૅમેરાનાં ફુટેજ ડિલીટ, BJPના નેતા બ્રિજ ભૂષણે પણ થોડા દિવસ પહેલાં મોટી ગરબડની વાત કહેલી

અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં મળેલા દાન અને ચડાવાની ચોરીના મામલે રામ શંકર યાદવ શંકાના ઘેરામાં છે, કેમ કે મંદિરની સિક્યૉરિટીની વાત હોય કે દાનમાં મળેલી રકમ બૅન્કમાં ડિપોઝિટ કરવાની હોય, બધું જ કામ રામ શંકર યાદવ મૅનેજ કરે છે. આમ તો તે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનો ખાસ વિશ્વાસુ માણસ હોવાથી શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ખૂબ પાવરફુલ છે. 

એક સમયે ઑટો-ડ્રાઇવર બનીને આજીવિકા રળતો રામ શંકર હવે ચંપત રાયનો એવો રાઇટ હૅન્ડ બની ગયો છે કે દાનની પેટીઓ, રોકડ કે દાગીનાનો ચડાવો બધું જ તેના હાથ હેઠળથી જ મૅનેજ થાય છે. રામ શંકર ઉર્ફે ટીનુ યાદવ પર શંકાની સોય એટલા માટે પણ તણાઈ રહી છે કેમ કે તેની સંપત્તિમાં છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં જબરો વધારો થયો છે. તેણે મોંઘા પ્લૉટ ખરીદ્યા છે. છેલ્લા ૮ મહિનાનાં મંદિરના CCTV કૅમેરાનાં ફુટેજ ગાયબ થઈ ગયાં છે અને ૧૪ દાનપેટીઓ પણ ગાયબ થઈ ગઈ હોવાના આરોપો લગાવાઈ રહ્યા છે. ટીનુ મંદિરનું કામ સંભાળવા ઉપરાંત બીજા ધંધાઓમાં પણ સક્રિય છે. તેણે છ રેસ્ટોરાંમાં ભાગીદારી કરી છે. 

અયોધ્યાના રામ મંદિરમાં થઈ રહેલી ચડાવાની ગોલમાલમાં ટીનુને મિસ્ટરી મૅન માનવામાં આવે છે. ભલે તેના પર હજી સુધી કોઈ સીધા આરોપો થયા નથી કે FIR નોંધાયા નથી, પરંતુ તે જે પોસ્ટ પર જે પાવર સાથે કામ કરે છે એને કારણે ગરબડોમાં તેની સંડોવણી હોવાનું ટ્રસ્ટના અન્ય કાર્યકરો દ્વારા પણ કહેવાઈ રહ્યું છે. 

મંદિર પરિસરમાં કુલ ૧૪ દાનપેટી રાખેલી છે. રોજ મંદિરમાં લગભગ એક કરોડ રૂપિયાથી વધારાનો ચડાવો આવે છે. આ ઉપરાંત મોટી માત્રામાં સોના-ચાંદી અને હીરાના દાગીના દાનપેટીમાં હોય છે. આ રકમને બંધ રૂમમાં ગણવામાં આવે છે અને એ કામ CCTV કૅમેરાની નિગરાનીમાં ટ્રસ્ટના પાંચ અધિકારીઓ અને બૅન્કના કુલ ૯ લોકો મળીને કરે છે. ગણતરી પછી આ રકમ રામજન્મભૂમિ પરિસરના જ લૉકરમાં રાખવામાં આવતી હતી. બીજા દિવસે ટીનુ યાદવ આ ધનરાશિ બૅન્કમાં જમા કરવા લઈ જતો હતો. ભૂતપૂર્વ અકાઉન્ટ્સ ઇન્ચાર્જ મહિપાલ સિંહે આરોપ મૂક્યો હતો કે ‘સોના-ચાંદીના દાગીના તોલ્યા વિના અનુમાનના આધારે રાખવામાં આવતા હતા. ૨૦૨૧માં હું રામજન્મભૂમિ પરિસરમાં રહેતો હતો ત્યારે એક દિવસ નોટ ગણી રહેલા કર્મચારીઓની હેરાફેરી પકડાઈ ગઈ હતી. એ લોકો દસની જગ્યાએ ૧૨ થોકડીઓ પૅક કરી રહ્યા હતા. ત્યારે મેં ચંપતરાયને ફરિયાદ કરી હતી. તેમણે બીજા બે જણને ડ્યુટીમાં મૂક્યા અને મને એ ગણતરીના કામમાંથી હટાવી દીધો.’

મહિપાલ સિંહે આરોપ મૂક્યો છે કે ટીનુએ એક પ્રાઇવેટ કર્મચારી સાથે મળીને CCTV કૅમેરાના રેકૉર્ડ ડિલીટ કરાવી દીધા છે. એમાં લગભગ ૮ મહિનાનું રેકૉર્ડિંગ હતું.’

કોણ છે આ મિસ્ટરી મૅન?

ટીનુના પિતા તુલસીરામ યાદવ અયોધ્યાના નયા ઘાટ પર ચાની લારી ચલાવતા હતા. ટીનુ પહેલાં ટેમ્પો અને પછી રિક્ષા ચલાવતો હતો. તે શ્રી રામજન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિના મહેશ નારાયણના સંપર્કમાં આવ્યો અને તેમણે પોતાની કાર માટે ડ્રાઇવર તરીકે રાખી લીધો. એ દરમ્યાન તે ચંપત રાયના વિશ્વાસુ લોકોમાં સામેલ થઈ ગયો. ૨૦૧૯માં મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું ત્યારે ટીનુ ટ્રસ્ટ વતી કામકાજ સંભાળવા લાગ્યો હતો. તેને દર મહિને ૨૨,૦૦૦ રૂપિયાનો પગાર મળતો હતો, પરંતુ પગાર કરતાં મહત્ત્વનો તેનો હોદ્દો છે. મંદિર પરિસરમાં મેનપાવર મૅનેજમેન્ટ અને દાનપેટીઓનું વ્યવસ્થાપન તેના હાથમાં છે. 

રામ મંદિર ડોનેશન ફ્રૉડમાં બે કર્મચારીઓ પર શંકા

૧૮,૦૦૦ રૂપિયા અને ૨૦,૦૦૦ રૂપિયાનો પગાર ધરાવનારા કઈ રીતે લાખોનો પ્લૉટ ખરીદી શકે?

અયોધ્યાના રામજન્મભૂમિ મંદિર સંકુલની દાનપેટીઓમાંથી દાનની કથિત ઉચાપત કરવાનો જેના પર આરોપ છે એવા કર્મચારીએ અયોધ્યામાં ૪૦ લાખ રૂપિયાનો પ્લૉટ ખરીદ્યો હોવાની જાણકારી મળ્યા બાદ આ કર્મચારીની તપાસ શરૂ કરવામાં આવી છે. આ સ્થળે ઘરનું બાંધકામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ ખરીદી કયાં નાણાંથી કરવામાં આવી હતી એની તપાસ થઈ રહી છે. ટ્રસ્ટે દાનનાં નાણાંની કથિત ઉચાપતના સંદર્ભમાં પૂછપરછ માટે વધુ બે કર્મચારીઓની અટકાયત કરી છે. તપાસ અત્યંત ગુપ્તતા સાથે હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષા-અધિકારીઓ પણ આ બાબતે જાહેરમાં કમેન્ટ્સ કરવાનો ઇનકાર કરી રહ્યા છે. તપાસ હેઠળ રહેલા કર્મચારીઓમાં એકનું નામ લવકુશ મિશ્રા છે. તે રુદૌલીના ફાગોલી ઠાકુરન ગામનો રહેવાસી છે. આ કર્મચારી રામ મંદિર સંકુલમાં એકઠા કરાયેલા દાનની ગણતરી સાથે સંકળાયેલો હતો. તપાસકર્તાઓને તેના નિવાસસ્થાનમાંથી રોકડ રકમ મળી આવી હોવાના અહેવાલ છે. જોકે ચોક્કસ રકમ જાહેર કરવામાં આવી નથી. ટ્રસ્ટ સાથે જોડાયેલો એક કાર્યકર તિવારી રામ મંદિર ગર્ભગૃહમાં સેવા આપતો હતો. તેના પર પણ નજર રાખવામાં આવી રહી છે. મહાકુંભ દરમ્યાન ભક્તો દ્વારા ચડાવવામાં આવેલાં સોના અને ચાંદીનાં આભૂષણો એકઠાં કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું હોવાનું કહેવાય છે. સૂત્રોએ દાવો કર્યો છે કે તેણે પણ તાજેતરમાં લગભગ ૧.૫ કરોડ રૂપિયાની જમીન ખરીદી હતી. આ ઘટનાક્રમથી પ્રશ્નો ઊભા થયા છે કે લગભગ ૧૮,૦૦૦ રૂપિયાથી ૨૦,૦૦૦ રૂપિયાનું માસિક મહેનતાણું મેળવતા કર્મચારીઓ આટલી મોંઘી મિલકતો કેવી રીતે ખરીદી શકે? સૂત્રોએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે દાનગણતરી પ્રક્રિયા સાથે જોડાયેલા ઘણા અન્ય કર્મચારીઓની નાણાકીય સ્થિતિમાં ટૂંકા ગાળામાં નોંધપાત્ર સુધારો જોવામાં આવ્યો છે. તીર્થયાત્રી સુવિધા કેન્દ્રમાં રાખવામાં આવેલા ટ્રસ્ટના કાર્યકરોની પૂછપરછ દરમ્યાન આ કર્મચારીઓ વિશે માહિતી બહાર આવી રહી છે.

ડરને કારણે સાચું નહીં બોલી શકું, પણ સમય આવ્યે સત્ય કહીશ

અયોધ્યામાં મળી રહેલા દાનમાં થઈ રહેલી ગરબડ વિશે થોડા દિવસ પહેલાં BJPના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય બ્રિજ ભૂષણે પણ ઇશારો કર્યો હતો કે આ કામમાં બહુ મોટા લોકો સામેલ છે. તેમણે કહેલું કે ‘જો હું અત્યારે પૂરી સચ્ચાઈ કહી દઈશ તો મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈશ, કેમ કે એ લોકો બહુ પાવરફુલ છે. ડરને કારણે હું અત્યારે સાચું નહીં બોલી શકું, પરંતુ સમય આવશે ત્યારે બધું જ સત્ય સામે રાખીશ.’

national news ayodhya ram mandir Crime News uttar pradesh religious places