23 January, 2024 10:39 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
રમત જગતના ઘણા દિગ્ગજ ખેલાડીઓ
ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રીરામ બિરાજમાન થઈ ગયા છે. ભગવાન શ્રીરામના આગમનની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવા માટે રમત જગતના ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ અયોધ્યા પહોંચ્યા હતા. આ ભવ્ય સમારોહમાં સચિન તેંડુલકર, સાઇના નેહવાલ, વેંકટેશ પ્રસાદ, મિતાલી રાજ સહિત ઘણા ખેલાડીઓએ ભાગ લીધો હતો. સચિન તેંડુલકરે રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સોશિયલ મીડિયા થકી સામે આવેલા વીડિયોમાં સચિન કુર્તા-પાયજામામાં જોવા મળી રહ્યો છે. માસ્ટર બ્લાસ્ટરે ગળામાં રામનામી પણ ધારણ કરી હતી. વેંકટેશ પ્રસાદે પોતાના એક્સ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પરિવાર સાથે જય શ્રી રામના નારા લગાવતા જોવા મળે છે. વેંકટેશે લખ્યું, એક હી નારા એક હી નામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અયોધ્યાપતિ શ્રી રામચંદ્રકી જાય. અનિલ કુંબલે પણ પત્ની સાથે અયોધ્યા શહેર પહોંચ્યો હતો અને એક્સ એકાઉન્ટ પર પોતાની તસવીર શેર કરી હતી.
સાઇના નેહવાલ-મિતાલી પણ પહોંચી રામલલ્લાનાં દર્શને
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ પણ રામ લલાના દર્શન કરવા અયોધ્યા પહોંચી હતી. આ સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મિતાલી રાજે પણ આ ભવ્ય સમારોહમાં પોતાની હાજરી નોંધાવી હતી.
પત્રકારો સાથે વાતચીત કરતી વખતે સાઈનાએ કહ્યું, મને લાગે છે કે આ આપણા બધા માટે મોટો દિવસ છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને આજે અહીં આવવાનો મોકો મળ્યો. અમને ભગવાન રામના દર્શન કરવાનો મોકો મળશે. અમે આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. હું મારી ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી.