26 June, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શુભાંશુ શુક્લા
આજે ભારત માટે ખૂબ જ મોટો દિવસ છે. આજે ભારતીય અંતરિક્ષ ક્ષેત્રમાં ઐતિહાસિક કહી શકાય એવી ઘટના બનવા જઇ રહી છે. ભારતીય અંતરીક્ષયાત્રી શુભાંશુ શુક્લા આજે અમેરિકાથી AXIOM-4 એક્સિઓમ- ૪ (Axiom-4 Mission) નામના મિશન અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થવાના છે. તમને જણાવી દઈએ કે આ મિશનમાં કુલ સાત વૈજ્ઞાનિક પ્રયોગો સામેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ખોરાક અને પોષણ સંબંધિત પ્રયોગો કરવાના છે. જે ભવિષ્યના અવકાશ મિશન અને અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ હશે.
કયા સાત મિશનો આ મિશનમાં છે?
AXIOM-4 (એક્સિઓમ-૪) નામના આ મિશન હેઠળ આવતા મહત્વના સાત પ્રયોગ વિષે જો વાત કરવામાં આવે તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ISRO) દ્વારા તૈયાર કરવામાં આવેલા સાત વૈજ્ઞાનિક પ્રયોગો સામેલ છે. પહેલીવાર જ ભારતના આ પ્રયોગો પ્રાઇવેટ સ્પેશ મિશનનો ભાગ બની રહ્યા છે. આ પ્રોજેક્ટ (Axiom-4 Mission) જૈવિક સંશોધન, સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં કોષોની વર્તણૂક અને નવી તકનીકો પર કેન્દ્રિત છે.
ક્યારે, કેટલા વાગ્યે અને ક્યાંથી મિશન લૉન્ચ કરવામાં આવશે?
મિશન (Axiom-4 Mission)ના લૉન્ચિંગનો સમય ભારતીય સમયાનુસાર બપોરે 12:30 વાગ્યાનોં છે. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરમાં લૉન્ચ કોમ્પ્લેક્સ 39એથી આ મિશન લૉન્ચ કરવામાં આવનાર છે. આ મિશન ટીમ ISS પર લગભગ 14 દિવસ પસાર કરશે. જ્યાં વિવિધ પ્રયોગો કરવામાં આવનાર છે.
તારીખ પે તારીખ પછી ફાઇનલી લૉન્ચ થવા જઇ રહ્યું છે મિશન!
મિશન AXIOM-4 એક્સિઓમ- ૪ માટેની તૈયારીઓ તો ઘણા સમય પહેલાથી જ શરૂ થઈ ગઈ હતી. પરંતુ કહેવાય છે કે ટેકનિકલ ક્ષતિઓને કારણે તે ઠેલાતું રહ્યું. 29 મે બાદ આ મિશન માટે 8,10 અને 11 જૂનની તારીખો આપવામાં આવી હતી. તેમ છતાં સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટમાં ઇંધણ લીક તેમ જ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના રશિયન ભાગમાં લિકેજ જેવા કારણોસર આ મિશન ઠેલાતું રહ્યું. ત્યારબાદ 19 જૂનની તારીખ આપવામાં આવી હતી. 22 જૂનના રોજ આ મિશન લૉન્ચ કરવાનો પ્લાન હતો પરંતુ નાસાએ આઇએસએસ ખાતે મેન્ટેનન્સ વર્ક બાદ સિસ્ટમની ચકાસણી કરવાને માટે મિશનની તારીખ હજીઆગલ લંબાવી હતી.
આ મિશન (Axiom-4 Mission)માં શુભાંશુ શુક્લા, ભારતના પ્રથમ પ્રાઇવેટ અવકાશયાત્રી જોડાયા છે. આ પહેલા માત્ર રાકેશ શર્માએ 1984માં સોવિયેત મિશન હેઠળ અંતરિક્ષની યાત્રા કરી હતી. હવે ભારતની અંતરિક્ષ વૈજ્ઞાનિક ક્ષમતા વિશ્વની સમોવડી બની ચૂકી છે તેનો આ પુરાવો છે.
શુભાંશુ શુક્લાની સાથે આવેલા અવકાશયાત્રીઓમાં પોલેન્ડના સ્લાવોઝ ઉઝ્નાન્સ્કી-વિસ્નીવ્સ્કી, હંગેરીના ટિબોર કાપુ અને મિશનના કમાન્ડર યુએસ અવકાશયાત્રી પેગી વ્હિટસનનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે શુભાંશુ આ મિશનના પાયલોટ છે.
Axiom-4 Mission: તમને જણાવી દઈએ કે શુભાંશુ શુક્લા ૪૦ વર્ષના છે. તે ઉત્તર પ્રદેશના લખનૌના રહેવાસી છે. તેમના પરિવારમાં મા-બાપની સાથે બે મોટી બહેનો છે. એક બહેન લખનૌમાં ટીચર છે. શુભાંશુએ લખનૌની સિટી મૉન્ટેસરી સ્કૂલની અલીગંજ શાખામાંથી બારમુ ધોરણ પાસ કર્યું છે. વર્ષ ૨૦૦૬માં ફાઇટર પાઇલટ શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેનામાં કમિશન્ડ થયા હતા. અને તેઓ બે હજાર કલાકથી પણ વધુ સમયનો વિમાન ઉડ્ડાણનો એક્સપિરિયન્સ ધરાવે છે.