મનમોહન સિંહ સામે એફઆઇઆરની બીજેપીની ડિમાન્ડથી સરકારને ટેન્શન

20 October, 2012 06:27 AM IST  | 

મનમોહન સિંહ સામે એફઆઇઆરની બીજેપીની ડિમાન્ડથી સરકારને ટેન્શન



કોલસાકૌભાંડમાં કથિત સંડોવણીના આરોપસર બીજેપીએ વડા પ્રધાન મનમોહન સિંહ સામે એફઆઇઆર નોંધવાની માગણી કરી છે જેના પગલે સરકારે કોઈ પણ કાનૂની ચેતવણી સામે વડા પ્રધાનને રક્ષણ આપવા માટે કાયદાના નિષ્ણાતોની મદદ માગી છે. બીજેપીની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાએ ગઈ ૨૦ સપ્ટેમ્બરે દેશભરનાં ૭૯૦ પોલીસ-સ્ટેશનોમાં વડા પ્રધાન મનમોહન સિંહ સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં ૧.૮૬ લાખ કરોડ રૂપિયાના કોલસાકૌભાંડ માટે વડા પ્રધાન મનમોહન સિંહને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપી હવે વડા પ્રધાન સામે એફઆઇઆર નોંધવા માગે છે. બીજેપીની આ હિલચાલને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અગમચેતીનાં પગલાંના ભાગરૂપે વડા પ્રધાનને કાનૂની રક્ષણ આપવા કાયદાના જુદા-જુદા એક્સપર્ટ પાસેથી સલાહ માગી છે. આ બાબતે ઍટર્ની જનરલ જી. ઈ. વહાણવટીની સલાહ પણ માગવામાં આવી હતી. વહાણવટીએ તેમના રિસ્પૉન્સમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન તથા કેન્દ્રીય પ્રધાનોને કાનૂની પગલાં સામે બંધારણીય રક્ષણની કોઈ જોગવાઈ નથી. જોકે સરકારે હાલના તબક્કે અગમચેતીનાં પગલાં ભરવાની જરૂર નથી. માત્ર ફરિયાદથી ચિંતા કરવાની જરૂર નથી. દરેક પોલીસ ફરિયાદ આપમેળે એફઆઇઆરમાં તબદીલ થતી નથી.