20 March, 2026 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અતનુ ચક્રવર્તી
હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન (HDFC) બૅન્કમાં થતી ચોક્કસ ઘટનાઓ અને પ્રૅક્ટિસ અંગે ચિંતા વ્યક્ત કરીને બૅન્કના પાર્ટ-ટાઇમ ચૅરમૅન અને સ્વતંત્ર ડિરેક્ટરપદેથી અતનુ ચક્રવર્તીએ રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ તેમનાં વ્યક્તિગત મૂલ્યો અને એથિક્સ સાથે સુસંગત નથી.
૧૫ માર્ચે લખેલા રાજીનામાના પત્રમાં અતનુ ચક્રવર્તીએ લખ્યું હતું કે ‘છેલ્લાં બે વર્ષમાં મેં જે જોયું છે એ મારાં અંગત મૂલ્યો અને એથિક્સ સાથે સુસંગત નથી. એને કારણે તાત્કાલિક અસરથી પદ છોડવાનો મેં નિર્ણય લીધો છે. મારા રાજીનામા પાછળ અન્ય કોઈ ભૌતિક કારણો નથી.’
બૅન્કે ૧૮ માર્ચે એક સત્તાવાર સંદેશવ્યવહારમાં રાજીનામાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે અતનુ ચક્રવર્તીના પત્રમાં દર્શાવેલાં કારણો સિવાય કોઈ કારણો નહોતાં. એણે તેમના કાર્યકાળ દરમ્યાન તેમના યોગદાન માટે પ્રશંસા કરી હતી.
મે ૨૦૨૧માં બોર્ડમાં જોડાયેલા અતનુ ચક્રવર્તીએ બૅન્કના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ તબક્કો પસાર કર્યો, જેમાં HDFC લિમિટેડ સાથે એના વિલીનીકરણનો પણ સમાવેશ થાય છે. આ વિલીનીકરણથી એક નાણાકીય સમૂહનું નિર્માણ થયું અને HDFC બૅન્કને દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું ધિરાણકર્તા બનાવ્યું હતું. જોકે તેમણે નોંધ્યું હતું કે એકીકરણના સંપૂર્ણ લાભો હજી સુધી પ્રાપ્ત થયા નથી.
ચૅરમૅન અને સ્વતંત્ર ડિરેક્ટર તરીકેની તેમની ભૂમિકાને ધ્યાનમાં લેતાં અતનુ ચક્રવર્તીની કમેન્ટ્સ બૅન્કની આંતરિક કામગીરી તરફ ધ્યાન દોરે એવી શક્યતા છે. જોકે તેમણે પ્રશાસન અને આંતરિક પ્રથાઓ વિશે ચોક્કસ મુદ્દાઓ પર વિગતવાર માહિતી આપી નથી.
અતનુ ચક્રવર્તીના રાજીનામા બાદ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બૅન્ક દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે ૨૦૨૬ની ૧૯ માર્ચથી શરૂ થતા ૩ મહિનાના સમયગાળા માટે કેકી મિસ્ત્રીની વચગાળાના પાર્ટ-ટાઇમ ચૅરમૅન તરીકે નિમણૂકને મંજૂરી આપી છે.