બહુમુખી પ્રતિભા ધરાવતા શિક્ષણશાસ્ત્રી

25 December, 2014 06:00 AM IST  | 

બહુમુખી પ્રતિભા ધરાવતા શિક્ષણશાસ્ત્રી



અંતિમવાદીઓ અને મધ્યમમાર્ગીઓ વચ્ચેનો સેતુ તેઓ સ્વતંત્રતા સંગ્રામના દિવસોમાં બન્યા હતા. હિન્દુ રાષ્ટ્રવાદના પ્રખર તરફદાર માલવીય હિન્દુ મહાસભાના પ્રારંભિક દીર્ઘદૃષ્ટા નેતાઓ પૈકીના એક હોવા ઉપરાંત સમાજ સુધારક અને સફળ સંસદસભ્ય પણ હતા.

કલકત્તામાં ૧૮૮૬માં યોજાયેલા કૉન્ગ્રેસના બીજા મહાઅધિવેશનમાં પ્રેરણાત્મક ભાષણ આપ્યા પછી માલવીય રાજકારણમાં જાણીતા થયા હતા. એમણે ૫૦ વર્ષ સુધી કૉન્ગ્રેસની સેવા કરી હતી અને ૧૯૦૯, ૧૯૧૮, ૧૯૩૦ અને ૧૯૩૨ એમ ચાર વખત કૉન્ગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા.

સ્વાતંત્ર્ય સંગ્રામમાં માલવીય ઉદારમતવાદીઓ અને રાષ્ટ્રવાદી તથા મવાળ અને અંતિમવાદીઓ વચ્ચેના તબક્કામાં હતા. ૧૯૩૦માં મહાત્મા ગાંધીએ મીઠાનો સત્યાગ્રહ અને સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરી ત્યારે માલવીયએ એમાં ભાગ લીધો હતો અને ધરપકડ પણ વહોરી હતી.

પ્રયાગ (અલાહાબાદ)ના શિક્ષિત રૂઢિચુસ્ત હિન્દુ પરિવારમાં ૧૮૬૧માં જન્મેલા મદન મોહને એમની કારકર્દિીનો પ્રારંભ એક શિક્ષક તરીકે કર્યો હતો. કાયદાના અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી પહેલાં જિલ્લા ર્કોટમાં અને પછી હાઈ ર્કોટમાં એમણે વકીલ તરીકે પ્રૅક્ટિસ કરી હતી. પોતાના પચાસમા જન્મદિવસે ધમધમતી પ્રૅક્ટિસને રામરામ કરીને માલવીય રાજકારણમાં જોડાયા હતા.

એક વખતે અત્યંત વગદાર ગણાતા અને અલાહાબાદથી પ્રકાશિત થતા અંગ્રેજી અખબાર ‘ધ લીડર’ની સ્થાપના એમણે કરી હતી. લાંબો સમય રાજકારણમાં પ્રવૃત્ત રહ્યા બાદ ૧૯૩૭માં રાજકારણને છોડીને માલવીય શિક્ષણ ક્ષેત્રે પાછા ફર્યા હતા. એમણે વિધવાવિવાહને પ્રોત્સાહન આપ્યું હતું અને બાળલગ્નનો વિરોધ કર્યો હતો. ૧૯૪૬માં એમનું અવસાન થયું હતું.