અટલ બિહારી વાજપેયીએ પોતાને માટે ભારત રત્નનો એક વાર ઇનકાર કર્યો હતો, ખબર છે?

25 December, 2014 06:08 AM IST  | 

અટલ બિહારી વાજપેયીએ પોતાને માટે ભારત રત્નનો એક વાર ઇનકાર કર્યો હતો, ખબર છે?




૧૯૯૯માં કારગિલ યુદ્ધ પછી થયેલી ચૂંટણીમાં BJPનો વિજય થયો હતો અને વાજપેયી ત્રીજી વાર વડા પ્રધાન બન્યા ત્યારની આ વાત છે. ૧૯૯૮ના અણુ-પરીક્ષણ અને કારગિલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડ્યા પછી મળેલી જીતના ઉત્સાહમાં આખી BJP મદોન્મત હતી. એ પછી BJPના અનેક નેતાઓએ આગ્રહ કર્યો હતો કે વાજપેયીને ભારત રત્ન પુરસ્કાર આપવો જ જોઈએ.

એ વખતે વાજપેયીના મીડિયા સલાહકાર તરીકે કામ કરી ચૂકેલા અશોક ટંડને જણાવ્યું હતું કે જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીએ પણ પોતાના વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં ખુદને ભારત રત્ન પુરસ્કારની નવાજેશ કરી હોવાની દલીલો વાજપેયી સમક્ષ કરવામાં

આવી હતી. વાજપેયીને એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભારતીય રાજકારણમાં તમારું વિશિષ્ટ સ્થાન છે એટલે તમારે આ સન્માન સ્વીકારી લેવું જોઈએ.

જોકે એમ કરવાનો ઇનકાર કરતાં વાજપેયીએ કહ્યું હતું કે મારા વડપણ હેઠળની સરકાર હોય અને હું મારું જ સન્માન કરું એ મને યોગ્ય નથી લાગતું. 

એ પછી એમની કૅબિનેટના સિનિયર પ્રધાનોએ એક યોજના બનાવી હતી એ મુજબ વાજપેયી વિદેશપ્રવાસે જાય ત્યારે એમની ગેરહાજરીમાં સરકાર એમને ભારત રત્ન આપવાનો નિર્ણય કરી લે. વાજપેયીને આ યોજનાની કોણ જાણે ક્યાંથી ખબર પડી ગઈ કે તેમણે આવું કરવાની ના પાડી દીધી હતી.