ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટમાં થશે સુધારો : સુપ્રીમ કોર્ટે માગી ઍટર્ની જનરલની મદદ

30 November, 2012 06:20 AM IST  | 

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટમાં થશે સુધારો : સુપ્રીમ કોર્ટે માગી ઍટર્ની જનરલની મદદ



શ્રેયાએ માગણી કરી છે કે જ્યાં સુધી આ પિટિશનની સુનાવણી હાથ ધરવામાં નહીં આવે ત્યાં સુધી વેબસાઇટો પર આવું લખાણ કરનારા લોકો સામે પગલાં લેવામાં નહીં આવે, પણ ચીફ જસ્ટિસ અલ્તમસ કબીરના વડપણ હેઠળની ડિવિઝન બેન્ચે આ માગણીને ફગાવી દીધી હતી. ફેસબુક કે એના જેવી વેબસાઇટો પર કમેન્ટ કરનારા લોકો સામે લેવામાં આવેલા પગલાને લઈને કોર્ટે આ પિટિશન દાખલ કરી હતી. શ્રેયાએ તેની પિટિશનમાં એવો દાવો કર્યો છે કે ભારતનું બંધારણ વાણીસ્વાતંત્ર્ય આપે છે અને લોકો તેમની લાગણી કોઈ પણ ડર વિના વ્યક્ત કરી શકે છે, પણ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટની કેટલીક કલમો ભારતના નાગરિકના મૂળભૂત અધિકારો પર તરાપ મારે છે એથી એમાં સુધારો કરવો જરૂરી છે. ખાસ કરીને કલમ ૬૬-એમાં ફેરફાર ખૂબ જ જરૂરી છે. શ્રેયાએ તેની પિટિશનમાં આખા દેશમાં થયેલા આવા કેસની વિગતો પણ રજૂ કરી છે.

કલમ ૬૬ના દુરુપયોગને રોકવા માટે સરકારની નવી ગાઇડલાઇન


સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર આક્ષેપ કરતા કે કોઈ પણ વ્યક્તિ વિશે ખરાબ લખાણ મૂકતા લોકો સામે તાજેતરમાં લેવામાં આવેલા પગલાથી ઊભા થયેલા વિવાદને પગલે આખરે કેન્દ્ર સરકારે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટની કલમ ૬૬ હેઠળ નોંધવામાં આવતા ગુના સંદર્ભમાં નવી ગાઇડલાઇન જાહેર કરી છે. કોઈ પણ પોલીસ-સ્ટેશન ડાયરેક્ટ હવે આ કલમ હેઠળ ગુનો નોંધી નહીં શકે. ગ્રામીણ વિસ્તારોમાં ડેપ્યુટી પોલીસ-કમિશનર અને શહેરી વિસ્તારોમાં ઇન્સ્પેક્ટર જનરલની પરવાનગી મેળવ્યા વિના હવે આ કલમ હેઠળ ગુનો નોંધી નહીં શકાય. આ નવી ગાઇડલાઇન દેશનાં તમામ રાજ્યોને મોકલી આપવામાં આવી છે.

આ કલમ હેઠળ નોંધવામાં આવતી ફરિયાદ જામીનપાત્ર હોય છે અને એમાં ત્રણ વર્ષ સુધીના કારાવાસની સજાની જોગવાઈ છે.