5 મહિનામાં રેલવે મિનિસ્ટર સદાનંદ ગૌડાની સંપત્તિમાં રૂ. ૧૦.૪૬ કરોડનો વધારો

26 October, 2014 06:01 AM IST  | 

5 મહિનામાં રેલવે મિનિસ્ટર સદાનંદ ગૌડાની સંપત્તિમાં રૂ. ૧૦.૪૬ કરોડનો વધારો




દેશમાં ચૂંટણીસુધારા તથા લોકશાહીને મજબૂત બનાવવા માટે કાર્યરત સ્વૈચ્છિક સંગઠન ઇલેક્શન વૉચના રિપોર્ટ મુજબ યુનિયન રેલવે મિનિસ્ટર સદાનંદ ગૌડાની સંપત્તિમાં પાંચ મહિનામાં સૌથી વધુ વધારો થયો છે. મોદી સરકારના જે પ્રધાનોએ પોતાની સંપત્તિની વિગતો વડા પ્રધાન કાર્યલાયમાં જમા કરાવી છે એ પૈકી કેટલાક પ્રધાનોની સંપત્તિમાં વધારો તો કેટલાકની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે.

રિપોર્ટ મુજબ ૧૬ પ્રધાનોની સંપત્તિ ઘટી છે તો રેલવેપ્રધાન સદાનંદ ગૌડાએ લોકસભાની ચૂંટણી દરમ્યાન ૯.૮૮ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાની વિગતો આપી હતી. પાંચ મહિના બાદ તેમણે ૨૦.૩૫ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું જણાવ્યું છે. આમ પાંચ મહિનામાં ૧૦.૪૫ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. જોકે રેલવેપ્રધાને ચોખવટ કરતાં કહ્યું હતું કે આ સંપત્તિ લોકસભાની ચૂંટણી પહેલાં ખરીદવામાં આવી હતી અને એના માટે ફેડરલ બૅન્ક પાસેથી ૮ કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી.

સુષમાની સંપત્તિમાં ઘટાડો

વિદેશપ્રધાન સુષમા સ્વરાજની સંપત્તિમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. લોકસભાની ચૂંટણી દરમ્યાન તેમની સંપત્તિ ૧૭.૫૫ કરોડ રૂપિયા હતી જે હવે ઘટીને ૧૩.૬૫ કરોડ રૂપિયા થઈ છે. આમ એમાં ૩.૮૯ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.