ઇલેક્શન્સ ૨.૦ : ડિજિટલ પ્રચાર માટે કઈ પાર્ટીની કેટલી તૈયારી?

10 January, 2022 10:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાંચ રાજ્યો-ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે

ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં આચારસંહિતા લાગુ થયા બાદ તરત જ રાજકીય પાર્ટીઓના હોર્ડિંગ્ઝ હટાવવામાં આવ્યાં હતાં

કોરોનાની મહામારીના કારણે દેશ વિધાનસભાની ચૂંટણીઓમાં એક નવા માહોલનો સાક્ષી બનશે. રૅલીઓ અને રોડ-શોના બદલે હવે વૉટ્સઍપ અને સોશ્યલ મીડિયા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો, વચનો, વિરોધ અને શાબ્દિક હુમલાઓ થશે. પાંચ રાજ્યો-ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. આ પાંચ રાજ્યોમાં ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થતાં સાત તબક્કામાં મતદાન થશે, જ્યારે મતગણતરી ૧૦ માર્ચે કરવામાં આવશે. હવે સવાલ એ છે કે આ વર્ચ્યુઅલ ઇલેક્શન્સ ૨.૦માં કોની પાસે કેટલું ડિજિટલ બળ છે...
કૉન્ગ્રેસ
કૉન્ગ્રેસના સોશ્યલ મીડિયા હેડ રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘અમારી તૈયારીઓ છે. અમે વર્ચ્યુઅલ રૅલીઓ યોજીશું. ઝૂમ, ગૂગલ મીટ, ફેસબુક, વૉટ્સઍપ અને અન્ય એવાં પ્લૅટફૉર્મ્સ દ્વારા અમે લોકો સુધી પહોંચીશું.’ કૉન્ગ્રેસે દાવો કર્યો હતો કે એ રૅલીઓ કૅન્સલ કરીને વર્ચ્યુઅલ મોડ તરફ વળનારી પહેલી પાર્ટી હતી. પાર્ટી મહત્ત્વનાં સ્થળોએ એલઈડી સ્ક્રીન્સ મૂકશે અને વર્ચ્યુઅલ રૅલીઓ યોજશે. કૉન્ગ્રેસે જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં જોરશોરથી અભિયાન શરૂ કરી દીધું છે. પાર્ટીએ પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા અને મણિપુરમાં કન્ટ્રોલ રૂમ્સ તૈયાર કર્યા છે. 
ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘અમારા કૅમ્પેનને પાર્ટીના વૉલન્ટિયર્સ દ્વારા હૅન્ડલ કરવામાં આવી રહ્યું છે. અમે આઉટસોર્સિંગ કર્યું નથી. અમે બીજેપી અને ‘આપૅ સહિતની અન્ય પાર્ટીઓથી ખૂબ આગળ છીએ.’
બીજેપી
બીજેપીની પાસે ડિજિટલ પ્રચાર માટે સ્ટ્રૉન્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે બીજેપી વર્ચ્યુઅલ રૅલીઓ માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ‘અમે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન વર્ચ્યુઅલ રૅલીઓ યોજી હતી. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમ્યાન પૉલિટિકલ પાર્ટીઝ નિષ્ક્રિય હતી ત્યારે બીજેપી વર્ચ્યુઅલ પ્લૅટફૉર્મ દ્વારા બૂથ લેવલે ઍક્ટિવ હતી.’ 
બીજેપીએ ૮૦૦૦ કાર્યકર્તાઓને તાલીમ આપી છે કે જેઓ સોશ્યલ મીડિયા વૉરિયર્સ રહેશે. પાર્ટી એવા લોકો પર ફોકસ કરશે કે જેમને સરકારની સામાજિક યોજનાઓથી લાભ મળ્યો છે અને દરેક કાર્યકર્તાને ચોક્કસ કામગીરી આપવામાં આવી છે. 
બીજેપીના નેતા જેપીએસ રાઠોડે જણાવ્યું હતું કે પાર્ટીએ વર્ચ્યુઅલ કાર્યક્રમો કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કર્યું છે કે જ્યાં ૫૦,૦૦૦ લોકો નેતાઓની સાથે ઇન્ટરેક્શન કરી શકશે. 
સમાજવાદી પાર્ટી
સમાજવાદી પાર્ટીએ લોકો સુધી પહોંચવા માટે એક વેબસાઇટ શરૂ કરી છે જેના પર મહત્ત્વના નેતાઓની વર્ચ્યુઅલ રૅલીઓનું વેબકાસ્ટ કરવામાં આવશે. આ પાર્ટીના સોશ્યલ મીડિયા ડિપાર્ટમેન્ટે ઉત્તર પ્રદેશમાં એના નેતાઓને તાલીમ આપી છે અને તેમને લેટેસ્ટ ટેક્નિક્સથી સજ્જ કર્યા છે. સાથે જ પાર્ટી સોશ્યલ મીડિયા પર અપપ્રચારનો જવાબ આપવા પર પણ ફોકસ કરશે.
બીએસપી
ડિજિટલ દુનિયામાં બીએસપીની ઓછી હાજરી છે. જોકે એણે ટેક્નિકલ-વર્કર્સ અને સોશ્યલ મીડિયા વૉલન્ટિયર્સની એક ટીમ હાયર કરી છે. આ પાર્ટી લોકો સુધી પહોંચવા માટે એક્સપર્ટ્સની મદદ લઈ રહી છે. બીએસપી દરેક વિધાનસભા બેઠકમાં મૂવેબલ ડિજિટલ સ્ક્રીન્સ મૂકશે કે જેના પર પાર્ટીનાં વડાં માયાવતીનાં ભાષણોને ટેલિકાસ્ટ કરવામાં આવશે. 

સોનુ સૂદની બહેન કૉન્ગ્રેસમાં સામેલ થઈ

અભિનેતા સોનુ સૂદની સિસ્ટર માલવિકા સૂદ સચ્ચર કૉન્ગ્રેસમાં સામેલ થઈ ગઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે શનિવારે મોડી સાંજે પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ પણ મેળવ્યું હતું. માલવિકા મોગાની બેઠક પરથી કૉન્ગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે એવી અટકળો છે. ગયા વર્ષે નવેમ્બરમાં સોનુએ જાહેર કર્યું હતું કે તેની બહેન રાજકારણમાં આવશે. નોંધપાત્ર છે કે તાજેતરમાં ચૂંટણી પંચે પંજાબના સ્ટેટ આઇકોન તરીકેની સોનુની નિમણૂકને રદ કરી હતી.

national news election commission of india