બળવાખોર ધારાસભ્યોને મળવા હોટલ પહોંચેલા શિવસેના નેતાની આસામ પોલીસે કરી અટકાયત

24 June, 2022 01:46 PM IST  |  Dispur | Gujarati Mid-day Online Correspondent

આસામ પોલીસે શિવસેનાના નાયબ જિલ્લા પ્રમુખ સંજય ભોસલેની અટકાયત કરી હતી

તસવીર સૌજન્ય: પીઆર

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ સતત ઘેરું બની રહ્યું છે. દરમિયાન, આસામ પોલીસે શિવસેનાના નાયબ જિલ્લા પ્રમુખ સંજય ભોસલેની અટકાયત કરી હતી, જે ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટલ પાસે હાજર હતા.

સંજય ભોસલે હોટલમાં રોકાયેલા બળવાખોર ધારાસભ્યોને મહારાષ્ટ્ર પરત ફરવા વિનંતી કરી રહ્યા હતા. તે જ સમયે, આસામ પોલીસે કહ્યું કે આ એક સંવેદનશીલ વિસ્તાર છે. પોલીસનું કહેવું છે કે “કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.”

સંજય ભોસલેએ કહ્યું કે “આજે હું ગુવાહાટી પહોંચી ગયો છું અને પાર્ટીના ધારાસભ્ય એકનાથ શિંદેને ‘માતોશ્રી’ પર પાછા ફરવા વિનંતી કરું છું. શિવસેનાએ પોતાના ધારાસભ્યોને ઘણું આપ્યું છે.”

આસામના ગુવાહાટીમાં હાજર શિંદે જૂથના બળવાખોર ધારાસભ્ય સંજય શિરસાટે કહ્યું કે “ભૂતકાળમાં ઘણી વખત ધારાસભ્યોએ ઉદ્ધવને કહ્યું હતું કે કૉંગ્રેસ હોય કે એનસીપી, બંને શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણી વખત ધારાસભ્યોએ ઉદ્ધવને મળવા માટે સમય માગ્યો હતો, પરંતુ તેઓ ક્યારેય મળ્યા નથી.”

તેમણે કહ્યું કે “જો તમે શિવસેનાના ધારાસભ્યના મતવિસ્તાર પર નજર નાખો તો, તહસીલદારથી લઈને મહેસૂલ અધિકારી સુધીના કોઈ અધિકારીની નિમણૂક ધારાસભ્ય સાથે ચર્ચા કરીને કરવામાં આવતી નથી. અમે ઉદ્ધવજીને ઘણી વાર આ વાત કહી, પરંતુ તેમણે ક્યારેય જવાબ આપ્યો નહીં.”

national news shiv sena assam