અડધું આસામ પાણીમાં ડૂબ્યું ૧૪ લાખ લોકો બેઘર

26 September, 2012 05:05 AM IST  | 

અડધું આસામ પાણીમાં ડૂબ્યું ૧૪ લાખ લોકો બેઘર



આસામમાં ગઈ કાલે પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું હતું. બ્રહ્મપુત્રા સહિતની અન્ય નદીઓની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના ૧૬ જિલ્લાનાં ૧૯૭૨ ગામોના ૧૫ લાખ લોકોને પૂરની અસર થઈ છે જેમાંથી ૧૪ લાખ લોકો બેઘર બન્યા છે. ગઈ કાલે પૂરનો મૃત્યુઆંક વધીને ૧૨ થયો હતો. રાજ્યના જોરહટ જિલ્લામાં પૂરનાં પાણી જેલમાં ઘૂસી જતાં ૪૧ કેદીઓને સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના હજારો લોકો પણ ભારે વરસાદ તથા ભૂસ્ખલનનો સામનો કરી રહ્યા છે. અરુણાચલ પ્રદેશમાં ગઈ કાલે વધુ પાંચ લોકોનાં મોત થતાં મૃત્યુઆંક વધીને ૯ થયો હતો.

ગુજરાતમાં ૭૭ જગ્યાએ વરસાદ

ગઈકાલે ગુજરાતના ૭૭ તાલુકાઓમાં હળવાં ઝાપટાંથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પારડી વિસ્તારમાં પડ્યો હતો. પારડીમાં ચાર ઇંચ વરસાદ હતો જ્યારે વલસાડમાં દોઢ ઇંચ, સુરતમાં પોણા ત્રણ ઇંચ, રાજકોટમાં અડધો ઇંચ, મહેસાણામાં દોઢ ઇંચ, જેતપુરમાં એક ઇંચ, જામજોધપુરમાં એક ઇંચ, દ્વારકામાં એક ઈંચ, ઓખામાં એક ઇંચ, પોરબંદરમાં દોઢ ઇંચ, વડોદરામાં અડધો ઇંચ અને દાહોદમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.