PMની મહત્વાકાંક્ષી મૉડલ વિલેજ સ્કીમની વાટ લગાવી રહ્યા છે સંસદસભ્યો

01 November, 2014 06:51 AM IST  | 

PMની મહત્વાકાંક્ષી મૉડલ વિલેજ સ્કીમની વાટ લગાવી રહ્યા છે સંસદસભ્યો


વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના સાંસદ આદર્શ ગ્રામ યોજનાને આગળ વધારવાની જવાબદારી સંસદસભ્યોની છે, પણ આ સ્કીમની વાટ એ સંસદસભ્યો જ લગાડી રહ્યા છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે વડા પ્રધાનના સૂચન અનુસાર જૂજ સંસદસભ્યોએ જ અત્યાર સુધી તેમના મતવિસ્તારનું એક-એક ગામ દત્તક લીધું છે. 


ગ્રામીણ વિકાસપ્રધાન નીતિન ગડકરીએ બધા સંસદસભ્યોને પત્ર લખીને ગામની પસંદગી ઝડપથી કરવાનો આગ્રહ કર્યો એના પગલે માત્ર સાત સંસદસભ્યોએ તેમના મતવિસ્તારમાંનું એક-એક ગામ દત્તક લઈને એની માહિતી ગ્રામીણ વિકાસ મંત્રાલયને આપી છે. વિધિની વક્રતા એ છે કે ખુદ નીતિન ગડકરીએ પણ તેમના મતવિસ્તારમાંનું એકેય ગામ દત્તક નથી લીધું.


વડા પ્રધાન ૭ અને ૮ નવેમ્બરે તેમના મતવિસ્તાર વારાણસી જઈને એક ગામ દત્તક લેવાની જાહેરાત કરવાના છે. મોદી જયાપુર ગ્રામપંચાયતના નામની જાહેરાત કરશે એ લગભગ નક્કી છે.
સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો પ્રારંભ ૧૧ ઑક્ટોબરથી કરવામાં આવ્યો હતો અને ૧૧ નવેમ્બર સુધીમાં બધા સંસદસભ્યોએ તેમણે દત્તક લીધેલાં ગામની માહિતી જિલ્લા કલેક્ટર, રાજ્ય સરકાર અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયને આપવાની છે.

કેવું ગામ દત્તક લેવાનું છે?


મેદાની પ્રદેશમાંની ગ્રામપંચાયતની વસ્તી ત્રણથી પાંચ હજાર લોકોની હોય અને પહાડી, જનજાતિ તથા મુશ્કેલ પ્રદેશોમાંના ગામની વસ્તી એકથી ત્રણ હજારની હોય એવું ગામ દત્તક લેવાનું છે. રાજ્યસભાના સભ્યો કોઈ પણ જિલ્લાની પસંદગી કરી શકે છે, જ્યારે સંસદસભ્યોએ કોઈ પણ જિલ્લાની ગ્રામપંચાયતની પસંદગી કરવાની છે. પોતાના કે પત્નીના ગામની પસંદગી આ યોજના માટે નહીં કરવાની તાકીદ સંસદસભ્યોને કરવામાં આવી છે.