ગેહલોત સંકટમાં : સ્પીકરની નોટિસ પર હાઈ કોર્ટનો સ્ટે

25 July, 2020 11:49 AM IST  |  Jaipur | Agencies

ગેહલોત સંકટમાં : સ્પીકરની નોટિસ પર હાઈ કોર્ટનો સ્ટે

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત જયપુરમાં ગઈ કાલે વિધાનસભ્યો સાથે રાજ્યપાલને મળવા નીકળ્યા એ પહેલા તેમણે મીડિયાને સંબોધન કર્યું હતું. તસવીર : પી.ટી.આઈ.

સરકાર ઉથલાવવાના મામલે રાજસ્થાનના રાજકારણમાં ચાલી રહેલી વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં કૉન્ગ્રેસના બળવાખોર સચિન પાઇલટ જૂથને હાઈ કોર્ટ તરફથી ગઈ કાલે વધુ રાહત મળી છે અને મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની હાલમાં પીછેહઠ થઈ હોય એમ હાઈ કોર્ટે વિધાનસભાના સ્પીકર સી. પી. જોશીએ બળવાખોરોને આપેલી કારણ દર્શક નોટિસ પર રોક લગાવીને જૈસે થે (સ્ટેટસ ક્વો)ની સ્થ્તિ જાળવી રાખવાનો આદેશ આપીને કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવવાની પાઇલટ-જૂથની અરજીને પણ માન્ય રાખતાં કૉન્ગ્રેસની આ આંતરિક રાજકીય અને કાયદાકીય લડાઈમાં હવે કેન્દ્ર સરકારની એન્ટ્રી થાય એમ છે. એક રીતે જોતાં સ્પીકરને અને ગેહલોતને આંચકો લાગ્યો છે. મામલો હવે સુપ્રીમ કોર્ટમાં જાય એમ છે.

રાજસ્થાન હાઈ કોર્ટમાં સચિન પાઇલટને રાહત મળ્યા બાદ અશોક ગેહલોત જૂથમાં હલચલ તેજ થઈ ગઈ હતી. અશોક ગેહલોત તરફથી વિધાનસભાનું સત્ર બોલાવવાની માગણી કરતાં અપીલ કરવામાં આવી હતી. રાજ્યપાલ કલરાજ મિશ્રએ કોરોના-સંકટનો હવાલો આપીને વિધાનસભા-સત્ર બોલાવવાનો ઇનકાર કર્યો હતો. આ દરમ્યાન અશોક ગેહલોત પોતાના સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચી ગયા હતા.

રાજભવન પહોંચેલા ધારાસભ્યો ધરણાં પર બેસી ગયા હતા અને નારેબાજી કરવા લાગ્યા હતા. બીજી તરફ રાજભવનની અંદર રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન વચ્ચે મુલાકાત થઈ હતી. આ દરમ્યાન ધારાસભ્યોએ ન્યાયની માગણી સાથે ‘વી વૉન્ટ જસ્ટિસ’ના નારા લગાવ્યા હતા.

રાજસ્થાન સીએમનું કહેવું છે કે ઉપરથી દબાણ હોવાને કારણે રાજ્યપાલ વિધાનસભા-સત્ર નથી બોલાવી રહ્યા. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસે બહુમતી છે વિધાનસભામાં સમગ્ર હકીકતનો ખુલાસો થઈ જશે.

અગાઉ અયોગ્યતા નોટિસ પર ૨૧ જુલાઈએ હાઈ કોર્ટે એનો ચુકાદો ૨૪ જુલાઈ સુધી અનામત રાખ્યો હતો. સ્પીકર સી. પી. જોશીને કહેવામાં આવ્યું હતું કે તેઓ ત્યાં સુધી આ ધારાસભ્યોની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરે.

બીજી તરફ હાઈ કોર્ટે નોટિસ અરજી પર યથાસ્થિતિનો આદેશ આપ્યો છે એને પાઇલટ-કૅમ્પ માટે મોટી રાહત માનવામાં આવી રહી છે. યથાશક્તિ આદેશ બાદ હવે કોઈ પણ પક્ષ કોઈ કાર્યવાહી નહીં કરી શકે.

કાયદાકીય દાવપેચમાં ફસાયેલા રાજસ્થાનના રાજકીય સંકટ વચ્ચે નોટિસ-અરજીમાં સચિન પાઇલટના કૅમ્પ તરફથી કેન્દ્ર સરકારને મામલામાં પક્ષકાર બનાવવાની અરજીને હાઈ કોર્ટે સ્વીકારી લીધી છે. હવે એમાં કેન્દ્ર સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવશે. અરજીને સ્વીકારતાં હાઈ કોર્ટે વિધાનસભાના સ્પીકરની નોટિસ પર દાખલ અરજી પર ચુકાદો સંભળાવતાં યથાસ્થિતિ રાખવાનો નિર્દેશ આપ્યો છે. કાયદાના નિષ્ણાતોનું માનવું છે કે હવે આ મામલે સત્વર રાજકીય સંક્ટનો કોઈ ઉકેલ આવે એમ હાલના તબક્કે તો જણાતું નથી.

- તો પાઇલટ સીએમ બની શકે છે : બીજેપી

આ દરમ્યાન બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે જો સ્થિતિ સારી રહી તો સચિન પાઇલટ મુખ્ય પ્રધાન બની શકે છે. તેમણે આ વાતને ધ્યાનમાં રાખીને એક મોટું પગલું ભર્યું છે. મામલો હાલ કોર્ટમાં છે, આ કારણે આસંદર્ભે નિવેદનબાજી કરવી યોગ્ય નથી. સૌથી પહેલાં પાઇલટે નક્કી કરવાનું છે કે તેમનું આગામી પગલું શું હશે અને એ પછી અમે વિચાર કરીશું.

Ashok Gehlot national news rajasthan jaipur bombay high court