ચૂંટણી કે રાજ્યાભિષેક?

21 September, 2022 08:37 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના બે નેતા ઇલેક્‍શનની તૈયારી કરી રહ્યા છે ત્યારે યુવરાજ જ ફરી પ્રમુખ બને એવી શક્યતા

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી ઃ બીજેપી પરિવારવાદના મામલે સતત કૉન્ગ્રેસને નિશાન બનાવી રહી છે. હવે એના જવાબમાં કૉન્ગ્રેસ ૨૦ વર્ષમાં પહેલી વખત મેગા ચૂંટણીનું આયોજન કરી રહી છે, જેમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટ અને શશી થરૂરની વચ્ચે જંગ જામશે, એમ અત્યારે જણાય છે. જોકે આ ચૂંટણી ખરેખર થશે અને થશે તો એ નિષ્પક્ષ રહેશે કે નહીં એ શંકા થઈ રહી છે. બીજી મહત્ત્વની વાત એ છે કે આ ચૂંટણી લડવા ઇચ્છતા થરૂરને પાર્ટીમાંથી જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. 

પરિવારને મહત્ત્વ
બીજેપીના નેતા શેહઝાદ પુનાવાલાએ જણાવ્યું હતું કે ‘જ્યારે કૉન્ગ્રેસમાં પર્ફોર્મન્સ નહીં, પરંતુ પરિવારનું જ મહત્ત્વ છે ત્યારે ચૂંટણીનો આ ડ્રામા શા માટે?’
તેમણે કૉન્ગ્રેસના સંસદસભ્ય ચિદમ્બરમને પણ ટાંક્યા હતા કે જેમણે તાજેતરમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ હોય કે ન હોય, પાર્ટીમાં તેમનું ‘સર્વશ્રેષ્ઠ સ્થાન’ હંમેશાં રહેશે. હવે પુનાવાલાએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના નેતાઓએ જાતે જ આ ચૂંટણી બનાવટી હોવાનો પર્દાફાશ કર્યો છે.’

થરૂરને કટાક્ષ
કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂરને પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી લડવા માટે સોનિયા ગાંધી પાસેથી ગ્રીન સિગ્નલ મળ્યું હોવાના અહેવાલો બાદ આ પાર્ટીના સિનિયર નેતા જયરામ રમેશે થરૂરને કટાક્ષ કર્યો હતો. 
તેમણે કહ્યું હતું કે ‘ભારત જોડો યાત્રાને સફળ બનાવવા માટે સમગ્ર પાર્ટી જોડાઈ ગઈ છે. આમ છતાં, પણ એનો પુનરોચ્ચાર કરવું મહત્ત્વનું છે કે કૉન્ગ્રેસના અધ્યક્ષપદ માટેની ચૂંટણી લડવા માટે કોઈ પણ સભ્યનું સ્વાગત છે. આ એક ડેમોક્રેટિક અને પારદર્શક પ્રક્રિયા છે. કોઈએ ચૂંટણી લડવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી, ખાસ કરીને પાર્ટીના નેતૃત્વની.’
કેરલાના નેતાઓ થરૂરથી નારાજ
આ ચૂંટણી લડવાના થરૂરના નિર્ણયથી કેરલામાં જ પાર્ટીના નેતાઓ નારાજ છે. ગઈ કાલે રાજ્યના એક સિનિયર નેતાએ એને થરૂરનો વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો હતો, જ્યારે બીજા એક સિનિયર નેતાએ સ્પષ્ટ કહ્યું હતું કે નેહરુ પરિવારના મહત્ત્વને માન્યતા આપનારને જ કેરલાના નેતાઓ મત આપશે. 
રાહુલના સમર્થનમાં ઠરાવો
કૉન્ગ્રેસના વધુ ને વધુ નેતાઓ રાહુલ ગાંધી જ આગામી અધ્યક્ષ બને એવી માગણી કરી રહ્યા છે. સાત રાજ્યોના એકમોએ ઠરાવ પસાર કરીને રાહુલના હાથમાં જ પાર્ટીનું સુકાન સોંપવાની માગણી કરી છે.

national news rahul gandhi congress