જ્યાં સુધી નરેન્દ્ર મોદી પીએમ છે…:  હિંડનબર્ગના રિપોર્ટ બાદ આક્રમક થઈ આમ આદમી પાર્ટી

11 August, 2024 06:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આપના નેતાએ નવા આરોપોની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની તપાસ માટે પણ વિનંતી કરી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં અગાઉ દાખલ કરાયેલ રિપોર્ટ પાયાવિહોણો હતો અને તેમાં સત્ય છુપાયેલું હતું

સંજય સિંહની ફાઇલ તસવીર

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે આજે અદાણીની ઑફશોર એન્ટિટીમાં સેબીના ચેરમેનની કથિત હિસ્સેદારી અંગે હિંડનબર્ગના આરોપો (Hindenburg Report) અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. આપના નેતાએ કહ્યું કે, “આ મામલે નિષ્પક્ષ તપાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. હવે સુપ્રીમ કોર્ટે આ અંગે સંજ્ઞાન લેવું જોઈએ.”

સંજય સિંહે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે, “અદાણી કેસને લઈને સેબી ચેરમેનની તપાસનો કોઈ અર્થ નથી.” તેમણે કહ્યું કે, “અદાણી કૌભાંડમાં દેશના સામાન્ય લોકોના 8 લાખ 50 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં છે ત્યાં સુધી આ મામલાની નિષ્પક્ષ તપાસ થઈ શકે નહીં. જો નરેન્દ્ર મોદીમાં નૈતિકતાનો અંશ પણ હોય તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ અને આ બાબત (Hindenburg Report)ની તપાસ માટે જેપીસીની રચના કરવી જોઈએ.”

આપના નેતાએ નવા આરોપોની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની તપાસ માટે પણ વિનંતી કરી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં અગાઉ દાખલ કરાયેલ રિપોર્ટ (Hindenburg Report) પાયાવિહોણો હતો અને તેમાં સત્ય છુપાયેલું હતું.

અદાણીનો મુદ્દો ગૃહમાં ઉઠાવવા બદલ મને જેલમાં મોકલવામાં આવ્યોઃ સંજય સિંહ

સંજય સિંહે દાવો કર્યો હતો કે, “18 મહિના પહેલાં હિંડનબર્ગના અગાઉના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ગૌતમ અદાણીએ નકલી કંપનીઓ બનાવીને મોરેશિયસમાં હજારો કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ કર્યું હતું. ત્યારપછી આ નકલી કંપનીઓ દ્વારા અદાણીએ ભારતમાં તેમની કંપનીઓના શેરનું ઓવરવેલ્યુએશન કર્યું. જ્યારે તેનું રહસ્ય ખુલ્લું પડ્યું ત્યારે દેશના સામાન્ય લોકોના 8 લાખ 50 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.” તેમણે કહ્યું કે, “આ પૈસા અદાણીના નહીં, પરંતુ દેશના સામાન્ય લોકોના છે. જ્યારે મેં ગૃહમાં આની સામે અવાજ ઉઠાવ્યો અને કૌભાંડનો પર્દાફાશ કર્યો ત્યારે મોદી સરકારે મને જેલમાં મોકલી દીધો.”

આપના સાંસદે કહ્યું કે, હિંડનબર્ગના અગાઉના અહેવાલ બાદ સુપ્રીમ કોર્ટે સેબીને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સેબીએ મે 2023માં કોર્ટને કહ્યું હતું કે, “આ દિશાવિહીન તપાસ છે. ભૂલ થઈ છે, પરંતુ અમે કહી શકતા નથી કે આ ભૂલ કોણે કરી છે. સેબી અને તેના અધ્યક્ષે કોર્ટમાં આવું કેમ કહ્યું તે પણ હિંડનબર્ગના નવા રિપોર્ટમાં બહાર આવ્યું છે. હવે હિન્ડેનબર્ગના નવા અહેવાલમાં ખુલાસો થયો છે કે સેબીના વડા માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચએ અદાણીની એ જ કંપનીઓમાં 10 મિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે, જેની તપાસ સેબીએ કરવાની હતી.”

હિંડનબર્ગ રિપોર્ટમાં શું છે આરોપ, સેબી ચેરમેનનો જવાબ

ઉલ્લેખનીય છે કે, યુએસ શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે આરોપ મૂક્યો છે કે તેને શંકા છે કે સેબી અદાણી ગ્રુપ સામે પગલાં લેવા માટે અનિચ્છા ધરાવે છે કારણ કે સેબીના વડા માધબી પુરી બુચ જૂથ સાથે જોડાયેલા ઓફશોર ફંડ્સમાં હિસ્સો ધરાવતા હતા.

સેબીના વડાએ હિંડનબર્ગના આરોપોને પાયાવિહોણા અને ચારિત્ર્ય હત્યાનો પ્રયાસ ગણાવ્યો હતો. માધાબી અને તેના પતિ ધવલ બૂચ, એક સંયુક્ત નિવેદનમાં, અહેવાલમાં કરવામાં આવેલા પાયાવિહોણા આરોપો અને પ્રહારોને સખત રીતે રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું કે, આ તમામ આરોપો સત્યવિહીન છે. તેમણે કહ્યું કે, “અમારું જીવન અને નાણાં એક ખુલ્લી કિતાબ છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હિંડનબર્ગ રિસર્ચ, જેની સામે સેબીએ અમલીકરણ પગલાં લીધાં છે અને કારણ બતાવો નોટિસ જાહેર કરી છે.”

sebi aam aadmi party news india national news