કેજરીવાલે બહાર પાડી ભ્રષ્ટ નેતાઓની યાદી

01 February, 2014 04:16 AM IST  | 

કેજરીવાલે બહાર પાડી ભ્રષ્ટ નેતાઓની યાદી



આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના ચીફ મિનિસ્ટર અરવિંદ કેજરીવાલે ગઈ કાલે પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં અનેક રાજકીય નેતાઓનાં નામ ભ્રષ્ટ નેતાઓની યાદી અંતર્ગત જાહેર કર્યા હતાં અને આ લિસ્ટ હજી વધશે એમ જણાવીને કહ્યું હતું કે ‘આ તમામ નેતાઓ સામે આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખશે. અમે જીતીએ કે હારીએ એ મહત્વનું નથી, પણ લોકોએ એ જોવાનું છે કે આ નેતાઓ લોકસભામાં જવા જોઈએ કે નહીં.’

કેજરીવાલે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી ભ્રષ્ટ છે અને તેમની સામે અમારો ઉમેદવાર ઊભો રહેશે. રાહુલ ગાંધી અને BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તેમની બ્રૅન્ડ વૅલ્યુ વધારવા માટે ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચે છે અને એથી તેઓ કઈ રીતે પ્રામાણિક સરકાર આપી શકશે? તેઓ ચૂંટાઈ આવશે તો પહેલાં આ રૂપિયા ઊભા કરી લેશે. આથી અમે ઇચ્છીએ છીએ કે એક પણ ભ્રષ્ટાચારી નેતા સંસદ સુધી પહોંચે નહીં. અમે દેશના રાજકારણને ભ્રષ્ટ નેતાઓથી મુક્ત બનાવવા ઇચ્છીએ છીએ.’

લોકપાલ કાયદો અયોગ્ય

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે પાસ કરેલા લોકપાલ કાયદાથી ઉંદર પણ મારી શકાય એમ નથી. આ કાયદો ભ્રષ્ટાચારને ખતમ કરી શકે એમ નથી. અમારી પાસે બહુમતી નથી છતાં પણ અમે જનલોકપાલ બિલ લાવી રહ્યા છીએ. એ મંજૂર થાય છતાં પણ એને કેન્દ્ર સરકાર અપ્રૂવ નહીં કરે એવી શંકા છે.’

માફી માગે : નીતિન ગડકરી

BJPના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘ભ્રષ્ટ નેતાઓના લિસ્ટમાં મારું નામ મૂકનારા અરવિંદ કેજરીવાલે માફી માગવી પડશે. આ લિસ્ટમાંથી તેઓ મારું નામ સત્વર હટાવી દે. જો તેઓ એમ નહીં કરે તો હું તેમની સામે માનહાનિનો દાવો કરીશ.’

ર્કોટમાં મળીશ : ફારુક અબદુલ્લા

નૅશનલ કૉન્ફરન્સના પ્રેસિડન્ટ ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે ‘ભ્રષ્ટ નેતાઓના લિસ્ટમાં મારું નામ મૂકનારા અરવિંદ કેજરીવાલને હવે હું ર્કોટમાં મળીશ. તેમણે મારું નામ કેવી રીતે આ લિસ્ટમાં મૂક્યું છે એ માટે હું માનહાનિનો દાવો કરીશ.’

બધા બેઈમાન : દિગ્વિજય સિંહ

કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી દિગ્વિજય સિંહે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલની નજરમાં તો તમામ નેતાઓ બેઈમાન છે.

દિલ્હીમાં આજથી વીજળી મોંઘી : લાઇસન્સ રદ થશે?

દિલ્હીમાં આજથી વીજળી કંપનીઓને સરચાર્જ લેવાની મંજૂરી મળતાં વીજળી મોંઘી થઈ છે. બીજી તરફ ગઈ કાલે દિલ્હીમાં વીજકંપનીઓએ ૨૪ કલાક વીજપુરવઠો પૂરો પાડવા માટે અસમર્થતા દર્શાવતાં ચીફ મિનિસ્ટર અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘વીજપુરવઠો પૂરો પાડતી કંપનીઓએ ૨૪ કલાક વીજળી આપવી પડશે. જો તેઓ એમ નહીં કરે તો એમનાં લાઇસન્સ કૅન્સલ કરવામાં આવશે.’

કેજરીવાલના મતે કોણ છે ભ્રષ્ટ નેતા?

કૉન્ગ્રેસના નેતાઓ

રાહુલ ગાંધી

પી. ચિદમ્બરમ

સુશીલકુમાર શિંદે

વીરપ્પા મોઇલી

સલમાન ખુરશીદ

કમલ નાથ

સુરેશ કલમાડી

પવન બંસલ

જી. કે. વાસન

શ્રીપ્રકાશ જયસ્વાલ

નવીન જિન્દાલ

અવતાર સિંહ ભદાણા

અનુ ટંડન

BSPના નેતા

માયાવતી

NCPના નેતા


શરદ પવાર

પ્રફુલ પટેલ

BJPના નેતાઓ

નીતિન ગડકરી

અનંતકુમાર

બી. એસ. યેદિયુરપ્પા

અનુરાગ ઠાકુર

સમાજવાદી પાર્ટીના નેતા

મુલાયમ સિંહ યાદવ

નૅશનલ કૉન્ફરન્સના નેતા

ફારુક અબદુલ્લા

DMKના નેતા

કનીમોઝી

અલાગિરિ

એ. રાજા

જનલોકપાલ બિલ માટે સ્ટેડિયમમાં અધિવેશન


જનલોકપાલ બિલ માટે દિલ્હી વિધાનસભાનું વિશેષ અધિવેશન ૧૩થી ૧૬ ફેબ્રુઆરી દરમ્યાન યોજાશે. એમાં બે દિવસનું અધિવેશન સચિવાલયમાં યોજાયા બાદ ત્રીજા દિવસે અધિવેશન ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. જનલોકપાલ બિલ માટે પહેલાં રામલીલા ગ્રાઉન્ડ પર અધિવેશન યોજવાની વાત હતી, પણ હવે એ સ્થળ બદલવામાં આવ્યું છે.