દેશના બંધારણમાં સમયની સાથોસાથ બદલાવ કરવો એ પ્રગતિની નિશાની

17 April, 2024 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરુણ ગોવિલે નોતર્યો વિવાદ

અરુણ ગોવિલ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના મેરઠ-હાપુડ મતદારસંઘના ઉમેદવાર અને ‘રામાયણ’ ધારાવાહિકમાં રામનું પાત્ર ભજવીને જાણીતા થયેલા ઍક્ટર અરુણ ગોવિલે બંધારણમાં સમય સાથે બદલાવ કરવો એ પ્રગતિની નિશાની છે એવું નિવેદન કરતાં વિવાદ થયો છે. આ પહેલાં ઉત્તર પ્રદેશમાં ફૈઝાબાદના સિટિંગ સંસદસભ્ય અને BJPના નેતા લલ્લુ સિંહે કહ્યું હતું કે બંધારણમાં સુધારો કરવા બે-તૃતીયાંશ બહુમતીની જરૂર છે.

બે-ત્રણ દિવસ પહેલાં અરુણ ગોવિલે એમ કહ્યું હતું કે ‘બંધારણ ઘડાયું ત્યાર બાદ એમાં સમય આવ્યે સુધારા કરવામાં આવ્યા છે. બંધારણમાં સમય સાથે બદલાવ કરવો એ પ્રગતિની નિશાની છે. પહેલાંની પરિસ્થિતિ અલગ હતી અને હવે ભારતમાં નવી પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે એમાં એક વ્યક્તિના વિચારથી નહીં પણ સર્વસંમતિથી આવશ્યક એવા બદલાવ કરી શકાય.’
અરુણ ગોવિલના આ વક્તવ્યનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ મુદ્દે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોશ્યલ મીડિયા પર કહ્યું હતું કે BJP એવા લોકોને ટિકિટ આપે છે જેઓ બંધારણના આત્માને પણ સમજતા નથી, તેમને ખબર જ નથી કે કયો બદલાવ વિકાસ માટે કરવામાં આવે છે અને કયા સંશોધનથી મૌલિક અધિકાર છીનવી લેવાનો પ્રયાસ થાય છે.

national news Lok Sabha Election 2024 Arun Govil bharatiya janata party