આર્મી ૪૦,૦૦૦ અગ્નિવીરોની ભરતી કરશે

20 June, 2022 09:18 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આર્મ્ડ ફોર્સિસે ‘અગ્નિવીરો’ની ભરતી માટેનું શેડ્યુલ જાહેર કર્યું

પટનામાં અગ્નિપથ યોજનાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા યુવાનોથી રેલવેની પ્રૉપર્ટીનું રક્ષણ કરવા માટે પટના રેલવે સ્ટેશનની બહાર તહેનાત સુરક્ષા-કર્મચારીઓ.

આર્મી, નેવી અને ઍૅર ફોર્સે ગઈ કાલે અગ્નિપથ યોજના હેઠળ આર્મ્ડ ફોર્સિસમાં ભરતી માટે એક વિસ્તૃત શેડ્યુલ જાહેર કર્યું હતું. 

ઇન્ડિયન નેવી
ઇન્ડિયન નેવીના ચીફ ઑફ પર્સોનેલ વાઇસ ઍડ્મિરલ દિનેશ ​િત્રપાઠીએ કહ્યું હતું કે નેવલ મુખ્યાલયો ૨૫મી જૂન સુધીમાં ભરતી માટેની વ્યાપક ગાઇડલાઇન્સ જાહેર કરશે. તેમણે જણાવ્યું હતું કે ‘ભરતીનો પહેલો બૅચ ૨૧ નવેમ્બર સુધીમાં ટ્રેઇનિંગ પ્રોગ્રામમાં જોડાશે. આ યોજના હેઠળ પુરુષો અને મહિલાઓ બન્નેની ભરતી કરવામાં આવશે.’

ઍરફોર્સ 
ઇન્ડિયન ઍરફોર્સના પર્સોનેલ ઇન-ચાર્જ ઍર માર્શલ એસ. કે. ઝાએ જણાવ્યું હતું કે ઇન્ડક્શન માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ૨૪ જૂનથી શરૂ થશે, જ્યારે ભરતીના પહેલા બૅચ માટે ઑનલાઇન એક્ઝામની પ્રક્રિયા ૨૪ જુલાઈથી શરૂ થશે. તેમણે વધુ જણાવ્યું હતું કે ઍરફોર્સ ૩૦ ડિસેમ્બર સુધીમાં પહેલા બૅચ માટે ટ્રેઇનિંગ શરૂ કરવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે. 

આર્મી
ઇન્ડિયન આર્મીના એજટન્ટ જનરલ લેફ્ટનન્ટ જનરલ બંસી પોનપ્પાએ કહ્યું હતું કે ‘૨૫,૦૦૦ અગ્નિવીરોનો પહેલો બૅચ ડિસેમ્બરના પહેલા અને બીજા અઠવાડિયામાં ટ્રેઇનિંગ પ્રોગ્રામમાં જોડાશે જ્યારે બીજો બૅચ ૨૩ ફેબ્રુઆરીની આસપાસ જોડાશે.’ આર્મી અગ્નિપથ યોજના હેઠળ લગભગ ૪૦,૦૦૦ અગ્નિવીરોની ભરતી કરવા માટે ૮૩ ભરતી મેળા યોજશે. લેફ્ટનન્ટ જનરલ પોનપ્પાએ કહ્યું હતું કે ઑગસ્ટ, સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં સમગ્ર દેશમાં ૮૩ ભરતી મેળો યોજાશે.

national news