૨૬/૧૧ના હુમલામાં લડનાર કમાન્ડોએ સરકાર પર કર્યો આક્ષેપ

23 November, 2012 05:46 AM IST  | 

૨૬/૧૧ના હુમલામાં લડનાર કમાન્ડોએ સરકાર પર કર્યો આક્ષેપ



મુંબઈના આતંકવાદી હુમલામાં નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ (એનએસજી)ના સભ્ય તરીકે આતંકવાદીઓ સામે લડનાર કમાન્ડોએ અનેક વિનંતીઓ છતાં પણ સરકાર દ્વારા પેન્શન તથા અન્ય લાભો ચૂકવવામાં આવ્યા નથી એવો આક્ષેપ કર્યો હતો. સુરિન્દર સિંહ નામના ભૂતપૂર્વ એનએસજી કમાન્ડોએ ગઈ કાલે દિલ્હીમાં ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન  (આઇએસી)ના નેતા અરવિંદ કેજરીવાલ સાથે મળીને પોતાની આપવીતી રજૂ કરી હતી. મુંબઈ હુમલામાં ઘાયલ થયા બાદ સુરિન્દર સિંહને ઈજાને કારણે ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે કરેલા દાવા મુજબ સરકાર દ્વારા તેમને પેન્શન તથા મેડિકલ બિલ સહિત કોઈ પણ રકમ ચૂકવવામાં આવી નથી. એટલું જ નહીં, બહાદુરીપૂર્વક લડવા બદલ મળેલી ગિફ્ટની રકમ પણ ચૂકવાઈ નહીં હોવાનો સિંહે દાવો કર્યો હતો.

દિલ્હીમાં પત્રકાર પરિષદમાં સુરિન્દર સિંહ કહ્યું હતું કે અત્યાર સુધી સરકાર દ્વારા તેમને માત્ર ચાર લાખ રૂપિયા મળ્યાં છે. આ તરફ સરકારે તેમનો દાવો નકાર્યો હતો. માહિતી અને પ્રસારણપ્રધાન મનીષ તિવારીએ ભારત અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સિંહને ૩૧ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. 

સુરિન્દર સિંહે કહ્યું હતું કે ‘ઑપરેશનમાં હું ગંભીર રીતે ઘવાયો હતો એ પછી ઑક્ટોબર ૨૦૧૧માં મને સર્વિસમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. એ પછી મને સરકાર દ્વારા એક પણ રૂપિયો મળ્યો નથી.’ સિંહે એમ પણ કહ્યું હતું કે ‘જ્યારે મેં અધિકારીઓને ફરિયાદ કરી ત્યારે તેમણે એવો જવાબ આપ્યો હતો કે સરકાર કે એનએસજીને કોઈ પણ ગિફ્ટ કે ડોનેશન મળ્યાં નથી.’ સુરિન્દર સિંહ કહ્યું હતું કે ‘મારી સારવારનો ખર્ચ પણ હું જ આપી રહ્યો છું.’

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે સરકારે સુરિન્દર સિંહને પેન્શનની રકમ નહીં ચૂકવવા માટે એવું કારણ આપ્યું હતું કે તેમણે ૧૪ વર્ષ અને ત્રણ મહિના જ નોકરી કરી છે, જ્યારે નિયમ પ્રમાણે પેન્શનનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછાં ૧૫ વર્ષની ફરજ જરૂરી છે. કેજરીવાલે દાવો કર્યો હતો કે કાયદામાં એવી અનેક જોગવાઈ છે જેના મુજબ કમાન્ડોને પેન્શન માટે હકદાર ગણી શકાય છે. કેજરીવાલે એનએસજીના કમાન્ડોને ગિફ્ટ સ્વરૂપે મળેલા ચેકનું શું થયું એવો સવાલ પણ સરકારને પૂછ્યો હતો.

કમાન્ડોના આક્ષેપોનો સરકારે આપ્યો આ જવાબ

ગઈ કાલે એનએસજીના ભૂતપૂર્વ કમાન્ડો સુરિન્દર સિંહના આક્ષેપોનો જવાબ આપતાં માહિતી અને પ્રસારણપ્રધાન મનીષ તિવારીએ કહ્યું હતું કે સિંહને ભારત અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૩૧ લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલયે તેમના જવાબમાં સિંહને દર મહિને ૨૫,૨૫૪ રૂપિયા ચૂકવવામાં આવતા હોવાનો પણ દાવો કર્યો હતો. ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે યોગ્ય તપાસની ખાતરી આપી હતી.