આજે તામિલનાડુ બંધ એ. આર. રહમાન ઉપવાસ કરશે

20 January, 2017 05:56 AM IST  | 

આજે તામિલનાડુ બંધ એ. આર. રહમાન ઉપવાસ કરશે



તામિલનાડુમાં આખલાઓને નાથવાની રમત જલ્લીકટ્ટુ સામે સુપ્રીમ કોર્ટના પ્રતિબંધના વિરોધમાં સમગ્ર તામિલનાડુની જનતા રસ્તા પર આવી ગઈ હતી અને આંદોલનકારીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ઓ. પન્નીરસેલ્વમનાં નિવેદનોને ઠુકરાવી દીધાં હતાં અને આજે તામિલનાડુ બંધની જાહેરાત કરી હતી.

ગઈ કાલે મોડી રાત્રે મળતા રિપોટોર્ અનુસાર એવા સંકેત મળે છે કે રાજ્ય સરકાર  જલ્લીકટ્ટુ રમત રમાઈ શકે એ માટે વટહુકમ બહાર પાડવા વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવશે.

૧૯૬૦ના દાયકામાં હિન્દી ભાષા સામે થયેલા આંદોલનની જેમ આ આંદોલનમાં લાખો સ્ટુડન્ટ્સ અને યુવકોએ રાજ્યભરમાં રસ્તા પર શાંતિપૂર્ણ માર્ચનું નેતૃત્વ કર્યું હતું. ખાસ કરીને મદુરાઈમાં સદીઓથી જલ્લીકટ્ટુની રમત રમાઈ રહી છે. અહીં જનતાએ એની માગણી માટે દબાણ ઊભું કરવા ટ્રેનો રોકી હતી.

આજે રાજ્યભરમાં વેપારીઓ, થિયેટરો, સ્કૂલો અને ટ્રાન્સપોર્ટરોએ જલ્લીકટ્ટુના સમર્થનમાં એક દિવસની હડતાળનું ઍલાન કર્યું છે અને તાત્કાલિક રીતે આ રમતને મંજૂરી આપવામાં આવે એવી માગણી કરી છે.

ચેસ-ચૅમ્પિયન વિશ્વનાથન આનંદ અને વિખ્યાત સંગીતકાર એ. આર. રહમાને જલ્લીકટ્ટુને પોતાનો ટેકો જાહેર કર્યો છે. આજે રહમાન એક દિવસના ઉપવાસ પર ઊતરશે.

ગઈ કાલે ઝડપથી બનેલા ઘટનાક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જલ્લીકટ્ટુ ફરી શરૂ કરવા વટહુકમ બહાર પાડવા કેન્દ્ર સરકારની અસમર્થતા વ્યક્ત કરી હતી, પરંતુ આ વિશે તામિલનાડુની સરકાર જે પગલાં લે એને ટેકો જાહેર કર્યો હતો.

મુખ્ય પ્રધાન ઓ. પન્નીરસેલ્વમ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીમાં તેમને નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠક બાદ ઓ. પન્નીરસેલ્વમે પત્રકારોને માહિતી આપી હતી કે જલ્લીકટ્ટુ ફરી શરૂ કરવા રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સહયોગથી પગલાં ભરશે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘મેં વડા પ્રધાનને જણાવ્યું હતું કે જલ્લીકટ્ટુ તામિલનાડુનો પરંપરાગત હક છે અને આ રમત બહાદુરીનું પ્રદર્શન કરે છે એથી એને ચાલુ રાખવી જોઈએ.’  

PMKના નેતા રામદોસનાં મોદીના ઘર સામે ધરણાં 


જલ્લીકટ્ટુ વિશે વટહુકમ બહાર પાડવા દબાણ બનાવવા તામિલનાડુના PMKના નેતા અંબુમણિ રામદોસે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનની બહાર પ્રદર્શન કર્યું હતું. અંબુમણિ રામદોસે માગણી કરી હતી કે કેન્દ્ર સરકારે ૨૬ જાન્યુઆરી પહેલાં જલ્લીકટ્ટુને મંજૂરી આપતો કાયદો પસાર કરવો જોઈએ.

ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્યપ્રધાન અંબુમણિ રામદોસે પત્રકારો સાથે વાતચીત કરતાં ચેતવણી આપી હતી કે ‘જો કેન્દ્ર સરકાર ૨૬ જાન્યુઆરી પહેલાં કાયદો પસાર નહીં કરે તો મારી પાર્ટીના કાર્યકર્તાઓ જલ્લીકટ્ટુની રમતનું આયોજન કરશે અને અમારી માગણી પૂરી નહીં થાય તો આ મુદ્દે હિંસક પ્રદર્શનો થઈ શકે છે.’

શ્રીલંકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયામાં પણ પ્રદર્શનો


તામિલનાડુમાં જલ્લીકટ્ટુ પર મૂકવામાં આવેલા પ્રતિબંધના વિરોધમાં શરૂ થયેલું આંદોલન ભારતની સરહદપાર ફેલાઈ ગયું છે. શ્રીલંકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયામાં રહેતા તામિલોએ આ પ્રતિબંધ વિરુદ્ધ તેમના દેશોમાં પ્રદર્શનો કર્યા હતાં. 

સાલેમ પાસેના ગામમાં શિયાળ સાથે જલ્લીકટ્ટુ રમાઈ


તામિલનાડુના સાલેમ પાસેના ગામમાં શિયાળ સાથે જલ્લીકટ્ટુ રમવાની જંગલ-વિભાગના અધિકારીઓએ છૂટ આપી છે. શિયાળ વન્યજીવ રક્ષણના કાયદામાં સમાવિષ્ટ જંગલી પ્રાણીઓની યાદીમાં હોવાથી એ જલ્લીકટ્ટુ ખેલનું આયોજન જંગલ-વિભાગના અધિકારીઓની દેખરેખમાં કરવામાં આવ્યું હતું.

એ ખેલમાં સહભાગી માણસોને શિયાળ કરડે નહીં એ માટે એનું મોઢું જંગલ-વિભાગના અધિકારીઓએ બાંધી રાખ્યું હતું. સાલેમ જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં કાનુમ પોંગલના અવસરે ફૉક્સ જલ્લીકટ્ટુના નામે આ ખેલનું આયોજન કરવામાં આવે છે.

જંગલ-વિભાગે પરવાનગી આપ્યા પછી બુધવારે ગામના લોકો દ્વારા શિયાળને એક મંદિર પાસે લાવીને એની પૂજા કરવામાં આવી હતી. શિયાળને હાર પહેરાવવામાં આવ્યો હતો. શિયાળનું મોઢું બાંધવા ઉપરાંત એના પાછલા પગને પાતળી દોરીથી બાંધી રાખવામાં આવ્યો હતો. ગામના લોકો શિયાળને પકડવાની કોશિશમાં એનો પીછો કરતા હતા. ફૉક્સ જલ્લીકટ્ટુનો ખેલ પૂરો થતાં શિયાળને જંગલમાં પાછું છોડી દેવામાં આવ્યું હતું.