ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં વધુ એક પી-પીનો કેસ બહાર આવ્યો

06 January, 2023 10:38 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નશામાં ધૂત પુરુષે મહિલાના ધાબળા પર કર્યો પેશાબ : પૅરિસથી દિલ્હી આવતી ફ્લાઇટના પ્રવાસીએ લેખિતમાં માફી માગતાં છોડી દેવાયો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે )

નવી દિલ્હી : ન્યુ યૉર્કથી દિલ્હી આવતી ઍર ઇન્ડિયાના વિમાનમાં મુંબઈના એક વેપારીએ મહિલા મુસાફર પર પેશાબ કરવા છતાં તેને છોડી દેવાની ઘટના બાદ આવી જ એક ઘટના પૅરિસથી દિલ્હી આવતી ફ્લાઇટમાં બની હતી, જેમાં નશામાં ધૂત વ્યક્તિએ મહિલા પૅસેન્જરના ધાબળા પર પેશાબ કર્યો હતો. આ ઘટના છઠ્ઠી ડિસેમ્બરના ઍર ઇન્ડિયાના વિમાન ક્રમાંક ૧૪૨માં થઈ હતી, જેમાં મુસાફરે લેખિત માફી માગતાં તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. દિલ્હી ઍરપોર્ટના ઍર ટ્રાફિક કન્ટ્રોલને વિમાનના પાઇલટે આ મામલે જાણ કરી હતી, જેના પગલે પુરુષ મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી. મુસાફરો કયા ક્લાસમાં મુસાફરી કરતા હતા એ જાણી શકાયું નથી. વિમાન દિલ્હીમાં સવારે ૯.૪૦ વાગે લૅન્ડ થયું હતું. 

ઍરપોર્ટ સિક્યૉરિટીને જાણ કરવામાં આવી હતી કે મુસાફર નશાની હાલતમાં હતો તેમ જ કૅબિન ક્રૂની વાત માનતો નહોતો. તેમ જ એક મહિલા મુસાફરના બ્લેન્કેટ પર પેશાબ કર્યો હતો. 
પ્લેન લૅન્ડ થતાં જ સીઆઇએસએફના જવાનોએ તેને પકડી લીધો હતો. પરંતુ બન્ને મુસાફરો વચ્ચે સમાધાન થયું તેમ જ આરોપીએ લેખિતમાં માફી માગી હતી. 

મહિલા મુસાફરે શરૂઆતમાં લેખિતમાં ફરિયાદ આપી, પરંતુ બાદમાં પોલીસ કેસ કરવાની ના પાડતાં પુરુષ મુસાફરને જવા દેવામાં આવ્યો હતો. ૨૬ નવેમ્બરે ન્યુ યૉર્કથી દિલ્હી જતા વિમાનમાં પુરુષ મુસાફરે મહિલા પર કરેલા પેશાબની ઘટનાના ૧૦ દિવસ બાદ આ ઘટની ઘટી હતી. નવેમ્બરમાં થયેલી ઘટના મામલે દિલ્હી પોલીસે ફરિયાદ દાખલ કરી છે તેમ જ આરોપીને પકડવા માટે ટીમો બનાવી છે. 

નવેમ્બરમાં થયેલા બનાવ વિશે ઍર ઇન્ડિયાએ ડીજીસીએને કહ્યું હતું કે મહિલાએ શરૂઆતમાં કરેલા હોબાળા બાદ બિઝનેસ ક્લાસમાં આવી હરકત કરનાર સામે ફરિયાદ નોંધાવી નહોતી. જોકે ઍર ઇન્ડિયાએ આરોપી સામે કાર્યવાહી કરતાં તેના પર ૩૦ દિવસ માટે પ્રતિબંધ મૂક્યો હતો.

national news air india new delhi