હિસારમાં હારી ગયેલી કૉન્ગ્રેસને અણ્ણાની ચેતવણી, પાઠ શીખો નહીં તો...

18 October, 2011 06:11 PM IST  | 

હિસારમાં હારી ગયેલી કૉન્ગ્રેસને અણ્ણાની ચેતવણી, પાઠ શીખો નહીં તો...

 

શાસક પક્ષના ઉમેદવારે ડિપોઝિટ ગુમાવી, બીજેપી સમર્થિત અને ભજનલાલના પુત્ર કુલદીપ બિશ્નોઈએ અજય સિંહને ૬૩૨૩ મતથી હરાવ્યા : બીજી ત્રણ બેઠકોમાં પણ સૂપડાં સાફ થયાં

કૉન્ગ્રેસે આટલું અધૂરું હોય એમ બિહાર, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રની પેટાચૂંટણીમાં પણ પરાજય મેળવ્યો હતો. આ ચારમાંથી ત્રણમાં તો કૉન્ગ્રેસ શાસક પક્ષ છે. આંધ્ર પ્રદેશના તેલંગણા રીજનમાં ટીઆરએસ (તેલગંણા રાષ્ટ્ર સમિતિ)ના ઉમેદવાર બાંસવાડાની અને બિહારમાં જેડી-યુ (જનતા દળ-યુનાઇટેડ)ના ઉમેદવાર દરૌંદાની બેઠક જીત્યા હતા. ચૂંટણી ૧૩ ઑક્ટોબરે યોજાઈ હતી.

વિનરે પિતાને શ્રેય આપ્યું

હિસાર પેટાચૂંટણીના વિજેતા અને હરિયાણા જનહિત કૉન્ગ્રેસના ઉમેદવાર કુલદીપ બિશ્નોઈએ કહ્યું હતું કે ‘મારા વિજયમાં ટીમ અણ્ણાનું કશું યોગદાન નથી. હું આ વિજયનું શ્રેય મારા દિવંગત પિતા ભજનલાલ અને મેં જેની સાથે યુતિ કરી હતી એ બીજેપીને આપું છું.’

ત્રણ વાર મુખ્ય પ્રધાન બનનાર ભજનલાલના અવસાનને લીધે આ બેઠક ખાલી પડી હતી. ડિપોઝિટ ગુમાવનાર કૉન્ગ્રેસી ઉમેદવાર જયપ્રકાશે પણ પરાજય માટે ટીમ અણ્ણાને દોષ નહોતો આપ્યો. જયપ્રકાશે કહ્યું હતું કે ‘હું ગઈ ચૂંટણીમાં પણ ત્રીજો આવ્યો હતો. મારી હાર ટીમ અણ્ણાને લીધે નહીં, પરંતુ જ્ઞાતિના પરિબળને લીધે થઈ છે.’

ટીમ અણ્ણા શું કહે છે?

ટીમ અણ્ણા વતી હિસારમાં કૉન્ગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરનાર હિસારના જ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘આ જનલોકપાલ બિલ માટેનો જનમત હતો. કૉન્ગ્રેસે આમાંથી બોધપાઠ શીખીને ઝડપથી લોકપાલ ખરડો મંજૂર કરવો જોઈએ.’ અણ્ણાએ કૉન્ગ્રેસને હરાવવા વિડિયો બહાર પાડ્યો હતો.

બીજેપી શું કહે છે?

બીજેપીએ સોમવારે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધના લોકોના આક્રોશને લીધે કૉન્ગ્રેસ હિસાર પેટાચૂંટણી હારી ગઈ છે. બીજેપીના નેતા મુરલી મનોહર જોશીએ કહ્યું હતું કે ‘આ લોકશાહીનો વિજય છે. લોકોએ કરપ્શન સામે મતદાન કર્યું છે. આ રિઝલ્ટ પરથી ખબર પડે છે કે રાજકીય પવન કઈ બાજુ ફૂંકાઈ રહ્યો છે.’

લોકસભાનાં વિરોધપક્ષનાં નેતા સુષમા સ્વરાજે બીજેપી-એચજેસીની યુતિને વિજય અપાવવા માટે હિસારના મતદાતાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે એચજેસી સાથેની યુતિ ચાલુ રાખીશું.

કૉન્ગ્રેસ શું કહે છે?

કૉન્ગ્રેસના સિનિયર નેતા અને નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે ચૂંટણીની હાર દુખદ હોય છે અને પક્ષ હિસારની હારનું વિશ્લેષણ કરશે.

કોને કેટલા વોટ?

એચજેસીના કુલદીપ બિશ્નોઈને ૩,૫૫,૯૪૧, લોકદળના અજય સિંહ ચૌટાલાને ૩,૪૯,૬૧૮ અને કૉન્ગ્રેસના જયપ્રકાશને ૧,૪૯,૭૮૫ મતો મળ્યા હતા.

...નહીં તો રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ વિરુદ્ધ મારો મુકાબલો

નવી દિલ્હી: જાણીતા ગાંધીવાદી અણ્ણા હઝારેએ કૉન્ગ્રેસને ચેતવણી આપતાં કહ્યું છે કે કૉન્ગ્રેસ હિસારની પેટાચૂંટણીમાંથી પાઠ શીખીને જનલોકપાલ બિલ સંસદના શિયાળુ સત્રમાં મંજૂર નહીં કરે તો અમે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પોતે કૉન્ગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરીશું.

અણ્ણાએ પોતાના બ્લૉગમાં લખ્યું છે કે ‘જો કૉન્ગ્રેસ હિસારના રાજકીય ધબડકામાંથી પાઠ નહીં ભણે તો કૉન્ગ્રેસ માટે પરિસ્થિતિ વકરશે. જો કૉન્ગ્રેસ પાઠ નહીં શીખે તો મારી અને તેમની વચ્ચે મુકાબલો થશે. આમઆદમી માટે કરપ્શનને લીધે ટકવું મુશ્કેલ બની રહ્યું છે. કૉન્ગ્રેસે મજબૂત લોકપાલ બિલ લાવવા પગલાં ભરવાં જોઈએ.’