અમે દારૂડિયાને થાંભલા સાથે બાંધીને ફટકારતા : અણ્ણા

23 November, 2011 06:00 AM IST  | 

અમે દારૂડિયાને થાંભલા સાથે બાંધીને ફટકારતા : અણ્ણા

 

અણ્ણા હઝારેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘અમારા ગામમાં જો કોઈ દારૂ પીતું હોય તો અમે ત્રણ વખત વૉર્નિંગ આપતા. ત્યાર બાદ પણ જો તે ન માને તો અમે તેને પકડીને મંદિરે લઈ જતા અને સોગંદ ખવડાવતા કે તે હવે જિંદગીમાં ક્યારેય શરાબને હાથ લગાડશે નહીં. એમ છતાં જો તે ન માને તો અમે તેને થાંભલા સાથે બાંધીને ફટકારતા હતા.’

તમામ રાજકીય પક્ષોનો વિરોધ

દારૂડિયાઓને જાહેરમાં ફટકારવા વિશેની અણ્ણા હઝારેની કમેન્ટને લીધે નવો વિવાદ ઊભો થયો છે. રાજકીય પક્ષોએ આવી પ્રવૃત્તિને કટ્ટરવાદી ગણાવીને તેમની ઉગ્ર ટીકા કરી હતી. કૉન્ગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું હતું કે ‘તાલિબાન પણ અણ્ણા હઝારે જે કહે છે એ જ કરી રહ્યા છે. તેઓ પણ શરિયા કાનૂનમાં ન માનતા લોકોને આ જ રીતે ફટકારે છે. જો અણ્ણા હઝારેના જ રસ્તે ચાલવાનું હોય તો કેરળના ૫૦ ટકા, આંધ્ર પ્રદેશના ૭૫ ટકા અને પંજાબના ૮૦ ટકા લોકોને ફટકારવા જોઈએ.’

બીજેપી (ભારતીય જનતા પાર્ટી)નાં પ્રવક્તા નર્મિલા સીતારમણે કહ્યું હતું કે ‘લોકોને દારૂ પીતા અટકાવવા માટે અણ્ણા હઝારેનો આ માર્ગ ચરમપંથી છે. અમારો પક્ષ તેમને સર્પોટ કરતો નથી. લોકોને શરાબ પીતા રોકવા માટેની આ પદ્ધતિ જરાય વ્યવહારુ નથી.’

ઇન્ટરનેટ પર પણ ઉગ્ર પ્રતિક્રિયા

દારૂડિયાને ફટકારવા વિશેની અણ્ણા હઝારેની પ્રવૃત્તિની જુદી-જુદી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર ઉગ્ર ટીકા થઈ હતી. એક બ્લૉગરે લખ્યું હતું કે આ અણ્ણા હઝારેનો શરિયા કાનૂન છે. બીજા એક બ્લૉગરે અણ્ણાને બીજી બધી બાબતોને બદલે ભ્રષ્ટાચાર સામેની લડત પર ધ્યાન આપવાની સલાહ આપી હતી.

બ્લૉગનો વિવાદ શું હતો?

અણ્ણા હઝારેએ આક્ષેપ મૂક્યો હતો કે મારો બ્લૉગ લખતા પત્રકાર રાજુ પરુળેકરે મારી સાથે વાતચીત કર્યા વિના જ ટીમ અણ્ણાની કોર કમિટીની પુન: રચના કરવા વિશેના મારા વિચારો રજૂ કર્યા છે. રાજુ પરુળેકરે તેના પર મૂકવામાં આવેલા આક્ષેપો ફગાવી દઈને બ્લૉગ પર લખેલા વિચારો અણ્ણા હઝારેના જ છે એવું સાબિત કરતો અણ્ણાનો જ એક અપ્રગટ પત્ર પ્રસિદ્ધ કર્યો હતો.  

અણ્ણાએ ફરી શરૂ કર્યો બ્લૉગ

સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ બ્લૉગજગતથી ૧૫ દિવસ સુધી દૂર રહ્યા બાદ ફરી પુનરાગમન કર્યું છે. ગઈ કાલે તેમણે નવો બ્લૉગ શરૂ કર્યો હતો. આ બ્લૉગમાં તેમણે દેશના ઉદ્યોગપતિઓની મદદથી ૧૦૦ મૉડલ વિલેજ વિકસાવવાનો નવો એજન્ડા રજૂ કર્યો હતો.

અણ્ણા હઝારેનો બ્લૉગ લખતા રાજુ પરુળેકર સાથે વાંધો પડ્યા બાદ અણ્ણાએ બ્લૉગિંગ બંધ કરી દીધુ હતું. હઝારેએ તેમના નવા બ્લૉગમાં જણાવ્યું હતું કે ‘ભ્રષ્ટાચાર દૂર કરવા માટે અમે જનલોકપાલ બિલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત ચૂંટણીલક્ષી સુધારાઓ કરવાની, ચૂંટણીમાં ઊભા રહેતા ઉમેદવારોને રિજેક્ટ કરવાનો અધિકાર આપવાની અને સત્તાના વિકેન્દ્રીકરણની પણ જરૂરિયાત છે. સાથોસાથ આપણે દેશના જુદા-જુદા ભાગોમાં સો ગામડાંઓનો મૉડલ વિલેજ તરીકે વિકાસ કરવો પડશે. દેશના કેટલાક ઉદ્યોગપતિઓએ મહાત્મા ગાંધીને આઝાદીની લડતમાં આર્થિક મદદ કરી હતી. આ મુજબ અમારે પણ આ કામમાં સારા ચારિત્ર્યવાળા ઉદ્યોગપતિઓની મદદની જરૂર છે. હું માનું છું કે ભ્રષ્ટાચારને ડામવાથી તથા આદર્શ ગામડાંઓ વિકસાવવાથી દેશને નવી દિશા મળશે. હું માનું છું કે ગ્રામ્યવિકાસનો અનુભવ ધરાવતા કાર્યકરો જરૂરી માર્ગદર્શન આપે તો ભારતના ભવિષ્યને નવી દિશા આપવામાં મદદ મળી શકશે.’