"ખેડૂતો પર લાઠીચાર્જ થાય ત્યારે અણ્ણા કેમ ગુસ્સો નથી કરતા?"

26 November, 2011 11:04 AM IST  | 

"ખેડૂતો પર લાઠીચાર્જ થાય ત્યારે અણ્ણા કેમ ગુસ્સો નથી કરતા?"



કૃષિપ્રધાન શરદ પવારને થપ્પડ પડ્યા બાદ તેમના વિશે સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ કરેલી ટિપ્પણી બદલ ગઈ કાલે એનસીપી (નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી)ના કાર્યકરોએ રાળેગણ સિદ્ધિમાં અણ્ણા હઝારે એક સમયે જ્યાં રહેતા હતા એ યાદવ બાબા મંદિરની બહાર ઉગ્ર વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

અહીં તહેનાત કરવામાં આવેલા સુરક્ષા-જવાનોએ તેમને રોક્યા હતા. એટલામાં ગ્રામવાસીઓ તથા અણ્ણાના સમર્થકો પણ એકઠા થઈ ગયા હતા. એનસીપીના કાર્યકરો પણ અણ્ણા હઝારે માફી માગે એવી હઠ લઈને ધરણાં પર બેસી ગયા હતા. તેમની વચ્ચે કોઈ પણ ક્ષણે ઘર્ષણ થાય એવી સ્થિતિ હતી ત્યારે જ અણ્ણા બહાર આવ્યા હતા. અણ્ણા હઝારેએ શરદ પવાર પર થયેલા હુમલાની પોતે ટીકા કરી ચૂક્યા હોવાની સ્પષ્ટતા કરીને એનસીપીના કાર્યકરોને સણસણતો સવાલ કર્યો હતો કે ‘શરદ પવાર પર થયેલા હુમલા માટે તમે શા માટે આટલા ગુસ્સે છો? ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે ત્યારે તમે શા માટે આટલા ગુસ્સે નથી થતા. ’

શું બન્યું હતું?

ગુરુવારે હરવિન્દર સિંહ નામના ૨૭ વર્ષના એક યુવકે શરદ પવાર પર હુમલો કર્યા બાદ અણ્ણા હઝારેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અણ્ણા હઝારેએ સામે પ્રશ્ન કર્યો હતો કે ‘શરદ પવારને તમાચો માર્યો? એક જ માર્યો?’

અણ્ણાના આ કટાક્ષથી પત્રકારોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જોકે ત્યાર બાદ અણ્ણાએ વાત વાળી લઈને આ બનાવની ટીકા કરતાં કહ્યું હતું કે ‘આવાં હિંસક કૃત્યો યોગ્ય નથી. હુમલાખોર ગરમ મિજાજનો હોવો જોઈએ. ગુસ્સો સારી બાબત નથી. આપણું બંધારણ કોઈને હિંસક બનવાની છૂટ આપતું નથી.’

થપ્પડના પડઘા સંસદમાં પડ્યા

કેન્દ્રના કૃષિપ્રધાન શરદ પવારને ગુરુવારે પડેલી લપડાકના પડઘા ગઈ કાલે સંસદમાં પણ પડ્યા હતા. લોકસભાનાં સ્પીકર મીરાકુમારે ગઈ કાલે કહ્યું હતું કે ‘લોકસભા કૃષિપ્રધાન પર થયેલા હુમલાની આકરી ટીકા કરે છે. અસહમતી દર્શાવવા માટે બિનલોકતાંત્રિક સાધનો તથા હિંસાના ઉપયોગને લોકસભા સ્પષ્ટપણે નકારી કાઢે છે.’

લોકસભા શરૂ થઈ એ પહેલાં પણ પોતાની સીટ પર બેઠેલા પવાર પાસે જઈને અનેક સંસદસભ્યોએ અફસોસ વ્યક્ત કર્યો હતો. પવારને પડેલી લપડાકની રાજ્યસભામાં પણ ટીકા થઈ હતી. રાજ્યસભાના ચૅરમૅન હમીદ અન્સારીએ કહ્યું હતું કે ‘મને ખાતરી છે કે શરદ પવાર પર થયેલા હુમલાને વખોડવામાં સમગ્ર ગૃહ મારી સાથે જોડાશે.’

પવાર પર થયેલા હુમલાના વિરોધમાં એનસીપી દ્વારા જાહેર કરવામાં આવેલા બંધને ગઈ કાલે પુણેમાં અધકચરો પ્રતિસાદ મળ્યો હતો.

પવાર પર હુમલો કરનાર ૯ ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં કેન્દ્રના કૃષિપ્રધાન શરદ પવારને તમાચો ચોડી દેનારા સિખ યુવક હરવિંદર સિંહને ગઈ કાલે દિલ્હીની એક અદાલતે ૯ ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલતાં તેને તિહાર જેલમાં લઈ જવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ ટેલિકૉમપ્રધાન સુખરામ પર હુમલો કર્યાના ગણતરીના દિવસોમાં જ તેણે પવાર પર હુમલો કર્યો હતો.

જોકે હરવિંદર સિંહને આ બાબતનો જરા પણ અફસોસ નહોતો. તેણે ર્કોટરૂમમાં ‘ભગત સિંહ ઝિંદાબાદ, રાજગુરુ ઝિંદાબાદ’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે મેં જે કર્યું એ હું ફરી પાછું કરવા માગું છું.

પોલીસ તેને પટિયાલા ર્કોટ હાઉસમાંથી તિહાર જેલમાં લઈ જઈ રહી હતી ત્યારે એનસીપીના ૨૫ કાર્યકરોએ તેને ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ એમાં સફળ થયા નહોતા. જોકે શરદ પવાર પરનો હુમલો નિષ્ફળ ન બનાવી શકેલી પોલીસે આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.